સુરત તા. 26 જુલાઇ 2020 રવિવાર
રાત્રી દરમ્યાન કરફ્યૂ હોવા છતા ડુમસ ફરવા જનાર ઇવેન્ટ મેનેજર અને તેના મિત્રને પોલીસે ડુમસ રોડ સાયલન્ટ ઝોન કેનાલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડુમસ પોલીસ ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં સાયલન્ટ ઝોન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાનમાં સાયલન્ટ ઝોન કેનાલ ચાર રસ્તા પાસેથી પસાર થતી હુન્ડાઇ ક્રેટા કાર નં. જીજે-5 સીએફ-8686 ને અટકાવી કારમાં સવાર બે મિત્ર કેવીન રાજેશ તોગડીયા (ઉ.વ. 21 રહે. 1101/એ-1 શીવધારા રેસીડન્સી, ડી માર્ટ પાસે, મોટા વરાછા) અને બ્રિજેશ મુકેશ પટેલ (ઉ.વ. 19 રહે. 92, મેપલ વિલા, કઠોર, તા. કામરેજ) ની પુછપરછ કરતા તેઓ રાત્રી દરમ્યાન ડુમસ વિસ્તારમાં ફરવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રાત્રી દરમ્યાન કરફ્યૂ હોવા છતા ફરવા નીકળનાર બંન્ને મિત્રો વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બે પૈકી કેવીન રાજેશ તોગડીયા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે.

