માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં લુમ્સ, હીરાનું કારખાનું, શોપ ચાલુ રાખનાર ત્રણની ધરપકડ
વેડરોડ ઉપરાંત કતારગામના ક્લસ્ટર વિસ્તારમાં પાનનો ગલ્લો અને સલૂન ચાલુ રાખનાર બે ધંધાર્થીની ની ધરપકડ
સુરત, તા.16 જુલાઈ 2020, ગુરુવાર
સુરતનો વેડરોડ પંડોળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હોવા છતાં તે વિસ્તારમાં લુમ્સનું કારખાનું, હીરાનું કારખાનું અને ઈલેક્ટ્રીકલ શોપ ચાલુ રાખનાર ત્રણની ચોકબજાર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જયારે કતારગામ ઉદયનગર અને વિરામનગર વિસ્તાર ક્લસ્ટર જાહેર થયા હોવા છતાં ત્યાં પાનનો ગલ્લો અને સલૂન ચાલુ રાખનાર બે ની કતારગામ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોકબજાર પોલીસે ગત સવારે 10 વાગ્યાથી બપોરના 1.20 વાગ્યાના સમયગાળામાં પંડોળ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ હોય તપાસ કરી તો ત્યાં ખાતા નં.376માં લુમ્સનું કારખાનું, ખાતા નં.353 માં હીરાનું કારખાનું અને વેડરોડ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આનંદપાર્ક સોસાયટી દુકાન નં.194 માં શ્રી સાંઈ ઈલેક્ટ્રીકલ નામની દુકાન ચાલુ મળી આવ્યા હતા. પોલીસે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં લુમ્સનું કારખાનું ચાલુ રાખનાર ઉમેશ ઠાકોરભાઈ પટેલ ( ઉ.વ.43 ) ( રહે. 102, સુંદરવન એપાર્ટમેન્ટ, કેશવપાર્ક સોસાયટી, વેડરોડ, સુરત ), હીરાનું કારખાનું ચાલુ રાખનાર પરેશ ખીમજીભાઈ ડોંડા ( ઉ.વ.40 ) ( રહે. 70, તૃપ્તિ સોસાયટી, વેડરોડ, સુરત ) અને ઈલેક્ટ્રીકલ શોપ ચાલુ રાખનાર જાલેન્દ્ર રામચંદ્ર નીમજે ( ઉ.વ.40 ) ( રહે. જી-1, હેમકુંજ એપાર્ટમેન્ટ, મગનનગર વિભાગ 2, વેડરોડ, સુરત ) વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કતારગામ પોલીસે ક્લસ્ટર વિસ્તાર કતારગામ ઉદયનગર વિભાગ 2 માં ભગવતી પાન સેન્ટર ચાલુ મળતા તેના માલિક વાલજી દેવાભાઇ ચુડાસમા ( ઉ.વ.47 ) ( રહે. 153, ઉદયનગર વિભાગ 2, કતારગામ, સુરત ) અને કતારગામ વિરામનગરમાં ક્રિષ્ણા એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું ગણેશ હેર કટીંગ સલૂન ચાલુ મળતા તેના માલિક ગણેશ હરેશભાઇ સીરસાઠ ( ઉ.વ.30 ) ( રહે. 304, સદગુરૂ નિવાસ એપાર્ટમેન્ટ, વિરામનગર, કતારગામ, સુરત ) વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.