Gujarat

RTOની પ્રક્રિયા વગર લાયસન્સ ઇસ્યુ પ્રકરણમાં ત્રણ એજન્ટની ધરપકડ

By GS Team
21 Jan 20223 mins read
This article was originally published on 21 Jan 2022
RTOની પ્રક્રિયા વગર લાયસન્સ ઇસ્યુ પ્રકરણમાં ત્રણ એજન્ટની ધરપકડ

- લાયસન્સ દીઠ રૂ.8 હજાર લઈ ARTOને રૂ.3 હજાર આપતા હતા : એઆરટીઓ કોરોના પોઝિટિવ આવતા નજરકેદ

- પૈસા લઈ ARTO નિલેષકુમાર મેવાડા ટેસ્ટ વિના ઉમેદવાર પાસ થયો છે તેવો ડેટા RTOની સિસ્ટમમાંથી લાયસન્સ શાખાને મોકલતા હતા

સુરત, : સુરતની પાલ આરટીઓની સિસ્ટમ હેક કરી કોઈપણ પ્રક્રિયા વિના 10 પાકા લાયસન્સ ઈશ્યુ થવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ એજન્ટની ધરપકડ કરી છે. જયારે તેમની સાથે સામેલ એઆરટીઓ કોરોના પોઝિટિવ આવતા નજરકેદ કરાયા છે. એજન્ટ રૂ.8 હજાર લાયસન્સ દીઠ લઈ એઆરટીઓને રૂ.3 હજારથી 3500 આપતા હતા. તેના બદલામાં એઆરટીઓ ટેસ્ટ વિના ઉમેદવાર પાસ થયો છે તેવો ડેટા આરટીઓની સિસ્ટમમાંથી લાયસન્સ શાખાને મોકલતા હતા.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનરની કચેરીને એક નનામી અરજી મળી હતી કે સુરત આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના બારોબાર લાયસન્સ નીકળે છે.આથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી હતી અને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં 10 જેટલા ઉમેદવારોની ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક લાયસન્સ મેળવવા માટે જરૂરી એવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ટેસ્ટ આપવા માટે જરૂરી વાહનની વિગત-વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચાર તબક્કાના વિડીયો જેવી કોઈ બાબત ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકના સર્વરમાં મળી નહોતી.કોઈકે બારોબાર 10 ઉમેદવારોએ આ પ્રક્રિયા કર્યા વિના ડ્રાઈવીંગ ટેસ્ટ પાસ કરી છે તેવી વિગતો આરટીઓની સિસ્ટમમાંથી લાયસન્સ શાખાને મોકલી હતી. 24 જૂન 2020, 27 જાન્યુઆરી 2021 અને 27 જુલાઈ 2021 ના રોજ આરટીઓની સિસ્ટમ હેક કરી કોઈપણ પ્રક્રિયા વિના 10 પાકા લાયસન્સ ઈશ્યુ થવાના પ્રકરણમાં ગતરોજ ઇન્ચાર્જ આરટીઓ ઓફિસર હાર્દિક પટેલે અજાણ્યા વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં આ પ્રકરણમાં પાલ આરટીઓ ખાતે એઆરટીઓ તરીકે ફરજ બજાવતા નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડા ( ઉ.વ.36, રહે.એફ/203, નક્ષત્ર સોલીટર, પાલનપુર કેનાલ રોડ, અડાજણ, સુરત. મુળ રહે.97, ભીમનગર સોસાયટી, દેથળી રોડ, સીધ્ધપુર, જી.પાટણ ), આરટીઓ એજન્ટ સાહીલ શાહનવાઝ વઢવાણીયા ( ઉ.વ.28, રહે.બી/11, ફ્લેટ નં.404, એલ.બી.પાર્ક સોસાયટી, પાંજરાપોળની સામે, ઘોડદોડ રોડ, સુરત ), આરટીઓ એજન્ટ ઇન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા ( ઉ.વ.37, રહે.રૂમ નં.001, બ્લોક નં.બી/11, સમૃધ્ધી બિલ્ડીંગ, સિધ્ધાર્થ કોમ્પલેક્ષ, સીટીલાઇટ રોડ, સુરત. મુળ રહે. લોલીયા ગામ, તા.ધોળકા, જી.અમદાવાદ ) અને આરટીઓ એજન્ટ જશ મેહુલ પંચાલ ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં.એ/104, રાજહંસ એપલ, કેનાલ રોડ, કટારીયા શો રૂમ પાસે, પાલનપુર ગામ, સુરત. મુળ રહે.ભાંડુ ગામ, જી.મહેસાણા ) ની સંડોવણી બહાર આવી હતી.

આથી સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ ત્રણ આરટીઓ એજન્ટની ધરપકડ કરી હતી. જયારે તેમની સાથે સામેલ એઆરટીઓ કોરોના પોઝિટિવ આવતા નજરકેદ રાખ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે એજન્ટ રૂ.8 હજાર લાયસન્સ દીઠ લઈ એઆરટીઓને રૂ.3 હજારથી 3500 આપતા હતા. તેના બદલામાં એઆરટીઓ ટેસ્ટ વિના ઉમેદવાર પાસ થયો છે તેવો ડેટા આરટીઓની સિસ્ટમમાંથી લાયસન્સ શાખાને મોકલતા હતા.હાલ સાયબર ક્રાઈમ પોલીસ એઆરટીઓ નિલેષકુમાર મેવાડને મુખ્ય સૂત્રધાર માની રહી છે. હજુ આ પ્રકરણમાં અન્યોની પણ સંડોવણીની આશંકા છે. વધુ તપાસ પીઆઈ ટી.આર.ચૌધરી કરી રહ્યા છે.


લાયસન્સ ધારકોની પણ પોલીસે પુછપરછ શરૂ કરી

સુરત, : આરટીઓની સિસ્ટમ હેક કરી કોઈપણ પ્રક્રિયા વિના 10 પાકા લાયસન્સ ઈશ્યુ થવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસે કરેલી કાર્યવાહી અંગેની માહિતી આપતા પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે પોલીસે 9 અસલ ડ્રાઇવીંગ લાયસન્સ કબજે કરી જેમના નામે બારોબાર લાયસન્સ બનાવાયા હતા તે લાયસન્સ ધારકોની પણ પુછપરછ શરૂ કરી છે. બારોબર લાયસન્સ ઈશ્યુ કરી દેવાતા જે લોકોને ડ્રાઈવીંગ આવડતું નથી તે લોકો વાહન લઈને બહાર નીકળે તો ગંભીર અકસ્માતો થઇ શકે છે. આ એક ગંભીર બાબત હોય પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમને બારોબાર લાયસન્સ ઈશ્યુ થયા છે તેમની કોઈ ગુનાહિત પ્રવુતિ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.