હોટલ-લોજમાં રોકાનારાની માહિતી પોર્ટલ પર અપડેટ નહી કરતા પાંચ મેનેજરની ધરપકડ
પાર્ટલ પથિક પર અપડેટ નહી કરનાર વિજય, આદર્શ, મુરલીધર ગેસ્ટ હાઉસ અને સહયોગ, પારસ હોટલ સામે કાર્યવાહી
સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર
દેશવિરોધી તત્ત્વો અને અસામાજીક તત્ત્વો બહારગામથી સુરત આવી શહેરની કોઈ હોટલ, લોજ, બોર્ડીંગ, ધર્મશાળા કે મુસાફરખાનામાં રોકાય તો તેની માહિતી મળે તે માટે રોકાવા આવતા વ્યક્તિની માહિતી ઓનલાઇન પોર્ટલ ' પથિક ' ઉપર અપડેટ કરવાની સૂચના છતા પાલન નહી કરનાર સુરતની પાંચ હોટલ-ગેસ્ટહાઉસના મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે.
અનિચ્છનીય પ્રવૃત્તિ રોકવા આ પોર્ટલ પર અપડેટ કરવાની સૂચના આપીને પોલીસે તે અંગે જાહેરનામું પણ બહાર પાડેલું છે. તેમ છતાં ઘણા સંચાલકો-મેનેજર તેમાં ગંભીરતા ન દાખવી રોકાણ કરનાર વ્યક્તિની વિગતો ઓનલાઇન પોર્ટલ પથિક ઉપર અપડેટ કરતા નથી. આથી સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલી 82 હોટલ, લોજ, ગેસ્ટ હાઉસમાં મહિધરપુરા પોલીસે ગતસાંજે અને આજે સવારે તપાસ હાથ ધરી હતી. પૈકી સબરસ ગરનાળા પાસેના વિજય ગેસ્ટ હાઉસ, સહયોગ હોટલ, આદર્શ ગેસ્ટ હાઉસ, પારસ હોટલ અને ગુલામબાબા મીલ કમ્પાઉન્ડના મુરલીધર ગેસ્ટ હાઉસમાં રોકાયેલા વ્યક્તિ અંગેની વિગતો અપડેટ કરાયેલી નહોતી.
તેથી વિજય ગેસ્ટ હાઉસના મેનજર અલ્પેશ ચંદ્રકાંતભાઈ મોદી (ઉ.34. રહે. 44, કરુણાસાગર સોસાયટી, મિડલટાઉન રોડ, પરવત પાટીયા), સહયોગ હોટલના મેનજર જહીર નૂરમોહમ્મદ મલેક (ઉ.36. રહે. 303, અલસફા ફ્લેટ, રામપુરા પેટ્રોલ પંપની સામે), આદર્શ ગેસ્ટ હાઉસના ત્યાં જ રહેતા મેનજર કેશવ બુધીયાભાઈ વસાવા (ઉ.42), વિપારસ હોટલના મેનજર સલીમ મોહમ્મદભાઈ મલેક (ઉ.39. રહે. 168, આરઝુ રેસીડન્સી, કોસંબા) અને મુરલીધર ગેસ્ટ હાઉસના મેનજર સતેન્દ્રસિંહ છોટેલાલ પ્રજાપતિ (ઉ.38. રહે. માલધારી સોસાયટી, શ્રીરામ ચોકડી, અમરોલી) વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.