ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરની બદલીની માંગ સાથે આવેદન

મોડાસા,તા. 21
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના ટીંટોઈ પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના મેડિકલ ઓફીસર દ્વારા ઓરમાયું, દાદાગીરી
ભર્યું અને ઉધ્ધત વર્તન કરાતું હોવાનો ચકચારી આક્ષેપ આ જ કેન્દ્રની ફેસીલેટર અને
આશાવર્કર બહેનો દ્વારા કરાયો હતો. આ આક્ષેપોને લઈ આ બહેનો દ્વારા જિલ્લા કલેકટરને
આવેદનપત્ર અપાયું હતું અને આ મેડિકલ ઓફીસરની બદલીની માંગ કરાઈ હતી.
જિલ્લાના ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ
આશાવર્કરો અને ફેસીલેટર બહેનો સોમવારના રોજ મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે
ઉમટી પડી હતી અને આ આરોગ્ય વર્કરો દ્વારા જિલ્લા કલેકટરને સંબોધી લખાયેલ આવેદનપત્ર
ફરજ પરના અધિકારીને અપાયું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ટીંટોઈ પીએચસીના
મેડિકલ ઓફીસર ર્ડા.કેતન તરાલ દ્વારા આશાવર્કરો અને ફેસીલેટર વર્કરો સાથે ઉધ્ધત
વર્તન કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો. મેડિકલ ઓફીસર વાત વાતમાં દાદાગીરી કરતા હોવાનું
અને વર્કરો જોડે ઓરમાયું વર્તન દાખવતા હોવાને લઈ દરેક વાતે પગાર કાપી લેવાની ધમકી
અપાતી હોઈ આ વર્કરો માનસિક ત્રાસ અનુભવી રહ્યા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો
હતો.
ટીંટોઈ મેડીકલ ઓફીસરના
વિરુદ્વમાં અપાયેલ આવેદનપત્રને લઈ આક્ષેપિત મેડીકલ ઓફીસર ર્ડા.કેતન તરાલે જણાવ્યું
હતું કે આ તમામ આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે.




