સુરત બહારથી આવતાં શ્રમિકોનો એન્ટી બોડી-એન્ટીજન ટેસ્ટ ફરજિયાત
ટેસ્ટનો ખર્ચ ઉદ્યોગના માલિકે ચૂકવવાનો રહેશેઃ ટેસ્ટમાં સંક્રમિત જણાય તો કોરેન્ટાઇન કરાશે અને રજા સહિતનો પગાર માલિકે ચૂકવવાનો રહેશે
આગામી દિવસોમાં ઉદ્યોગોમાં સંક્રમણનો ખતરો
સુરત, તા. 22 જુલાઈ, 2020, બુધવાર
અન લોક બાદ સુરતમાં કાપડ, હીરા અને બાંધકામ સહિતના ઉદ્યોગના શ્રમિકો ધીમે ધીમે પાછા આવી રહ્યાં છે. બહારથી આવતા શ્રમિકોના કારણે વિવિધ ઉદ્યોગોમાં સંક્રમણની ભીતી હોવાથી શ્રમજીવીઓને ફરજિયાત એન્ટી બોડી અને એન્ટીજન ટેસ્ટ કરાવવા નિર્ણય કરાયો છે. જે તે ઉદ્યોગના શ્રમિકોને ટેસ્ટ માટે તેમના માલિકે ચાર્જ ચુકવવાનો રહેશે. શ્રમિકો ટેસ્ટમાં પાસ ન થાય તો કોરોન્ટાઈન કરીને તેમને રજા સહિતનો પગાર પણ ચુકવવાનો રહેશે.
સુરત મ્યુનિ. તંત્રએ બહારથી આવતાં શ્રમિકાના એન્ટી બોડી અને એન્ટીજન ટેસ્ટ માટેની તૈયારી કરી લીધી છે. મ્યુનિ. અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સુરત બહારથી આવતા શ્રમિકોનો ટેસ્ટ ફરજ્યાત કરાવવા નિર્ણય કરાયો છે. પહેલા એન્ટીબોડી ટેસ્ટ કરાશે તેમાં ફેઇલ જશે તો એન્ટીજન ટેસ્ટ કરાશે. તેનો ખર્ચ શ્રમિકો જે યુનિટમાં કામ કરતા હોય તેના માલિકોએ ભોગવવાનો રહેશે.
ટેસ્ટમાં ફેઇલ થનાર શ્રમિકને ફરજિયાત 7 દિવસ કોરેન્ટાઇન કરાશે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં રહેતા શ્રમિકને કામ પર રાખી શકાશે નહી તેમજ તેને રજા સહિતનો પગાર જે તે યુનિટના માલિકે ચૂકવવા સાથે નજીકના કોમ્યુનીટી ફેસીલીટીમાં રાખવા સાથે ભોજનની વ્યવસ્થા પણ કરાવવી પડશે. યુનિટ સંચાલકોને ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાની ઇચ્છા હોય તો મ્યુનિ. તંત્ર વ્યવસ્થા કરી આપશે. પરંતુ કોઈ પણ શ્રમજીવીને ટેસ્ટ વિના કામ પર રાખી શકાશે નહીં.
આ પહેલાં આવા પ્રકારની વ્યવસ્થા અમદાવાદ શહેરમાં ગોઠવવામાં આવી હતી. મ્યુનિ. તંત્ર ટેસ્ટ કરશે તેમાં પ્રત્યેક શ્રમજીવી દીઠ માલિકને 800 રૃપિયા સુધીનો અંદાજિત ખર્ચ થશે. મ્યુનિ.માં જે બેઠક થઈ હતી તેમાં યુનિટ દીઠ કારીગરોની યાદી પણ તૈયાર કરવા સુચના આપી દેવામાં આવી છે.