Get The App

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું 1 - image


Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહિ નદી પરનો બ્રિજ તૂટી પડતા લોકો નદીમાં ખાબક્યા હતા.  તંત્રને આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.  જ્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સયાજી હોસ્પિટલમાં સારવાર  લેતા ઇજાગ્રસ્તનું આજે સવારે મોત થયું છે. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 20 ઉપર પહોંચી ગયો છે. 

બ્રિજના પિલર નીચેથી મૃતદેહ મળી આવ્યો હજી એક લાપતા, ત્રણ દર્દીઓ સારવાર હેઠળ 

ગંભીરા બ્રિજનો ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનાના દિવસે તંત્રે હાથ ધરેલા ઓપરેશનમાં બે માસૂમ બાળકો સહિત 13 લોકોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે શુક્રવારે કાર્યવાહી દરમિયાન પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પાંચ લોકોને સયાજી હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી સમગ્ર પરિવાર ગુમાવનાર દરિયાપુરની મહિલા સોનલબેન  પઢિયારને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર  ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર  હેઠળ હતા. 

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને કરી સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી, વીડિયો વાયરલ

તે  પૈકી બોરસદ તાલુકાના દહેવણ ગામના ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં.વ.45 નું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું છે. બનાવના દિવસે નરેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે ભૂપેન્દ્રભાઇ નાઇટ શિફ્ટની નોકરી પૂરી કરીને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા તેઓ પાણીમાં પડ્યા હતા. પાણીમાં તરતી બોરીઓ પૈકીની એક બોરી પકડી લેતા તેઓ ડૂબ્યા નહતા. તેઓને એક શખ્સે બચાવી લીધા હતા. ત્યારબાદ નાવડીમાં બહાર આવ્યા પછી તેઓને સયાજીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેના પગલે પરિવારમાં રોક્કળ મચી ગઇ હતી. પરિવારે સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. 

મોતનું ચોક્કસ કારણ પી.એમ.  રિપોર્ટ પછી જાણી શકાશે. જ્યારે શુક્રવારે બપોર પછી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. દુર્ઘટનામાં પાણીમાં ગરકાવ થયેલા ટ્રક ડ્રાઇવર સુખાભાઇ ભગવાનભાઇ વાગડિયા,  ઉં.વ.32 (રહે. સરસવા ગામ, પંચમહાલ)નો મૃતદેહ પિલરની નીચેથી મળી આવ્યો છે.


Tags :