અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા: બે દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત
Ganesh Chaturthi 2025 : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.
ડીજેના ટેમ્પોએ બાળકીનો ભોગ લીધો
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ પાછળ બાળકો નાચી રહ્યા હતા. આ દરમિયાન ડીજેનો ટેમ્પો અચાનક રિવર્સ આવતા પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંગ સહિત અન્ય બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ટેમ્પોના ડ્રાઈવર રાકેશે પોતાનું વાહન સોસાયટીના રહેવાસી ચિરાગ વ્યાસને ચલાવવા આપ્યું હતું. ચિરાગ વ્યાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત
અંકલેશ્વરમાં બનેલી બીજી ઘટનામાં જીઆઇડીસીના સીઓપી 7 ગ્રુપની શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન એક આખલો યાત્રામાં ઘૂસી આવ્યો હતો. ડીજેના મોટા અવાજને કારણે ભડકેલા આખલાએ આતંક મચાવતા 8 થી 10 લોકોને અડફેટે લીધા હતા, જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આખલાના હુમલાથી યાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ બન્ને દુર્ઘટનાઓથી ગણેશ ઉત્સવના પ્રારંભમાં જ શોકની લાગણી છવાઈ ગઈ છે.
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે (25મી ઓગસ્ટ) ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં સોમવારે પાંચ વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાયા બાદ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક સગીરનું ડીજે પરથી પટકાવાથી મોત થયું હતું. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા હતા. જેથી પંથકમાં શોક છવાયો છે.