Get The App

અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત 1 - image


Ambaji Pilgrims Accident: અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અંબાજી તરફ જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. આ દુર્ઘટના માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શને જઈ રહ્યા હતા. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક માલપુર સીએસસી (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડના વીમાનું સુરક્ષા કવચ

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.

50 કિમી સુધીનું કવરેજ, 7 જિલ્લાઓને આવરી લેવાયા

આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને પણ સુરક્ષા પૂરી પાડી શકાય. 

અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે 5500 વધારાની બસો દોડાવાશે

અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળે તે માટે આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી. નિગમે 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રાળુઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર 2025થી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે.

Tags :