Get The App

સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં!

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! 1 - image

Anganwadi Workers News: ગુજરાતની હજારો આંગણવાડી વર્કર અને હેલ્પરો હાઈકોર્ટના ચુકાદા મુજબ અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,300 વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા પર ઉતરી છે. ICDS યોજનાના 50 વર્ષ પૂરા થયા હોવા છતાં, સરકાર નકારાત્મક પાસાં પર ધ્યાન આપતી નથી અને તેમને લઘુતમ વેતનના દાયરામાં પણ સમાવ્યા નથી. કામનો અસહ્ય બોજ, પોષણ ખર્ચની વિસંગતતા અને 12 મહિના સુધી બિલ પાસ ન થવા જેવી ગંભીર સમસ્યાઓ સામે લડતી બહેનો સરકારને 'આંધળી, બેરી અને મૂંગી' ગણાવીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી રહી છે.

રાજ્યભરની આંગણવાડી બહેનોના ધરણાં

ગુજરાતમાં રાજ્યભરની 26 જિલ્લાની હજારો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પોતાની પડતર માંગણીઓ માટે ધરણા પ્રદર્શન કરી રહી છે. આંદોલનનું મુખ્ય કારણ હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટે આપવામાં આવેલા ચુકાદાનું સરકાર દ્વારા પાલન ન થવું છે. આ ચુકાદા મુજબ, આંગણવાડી વર્કરને રૂ.24,800 અને હેલ્પરને રૂ.20,300 નું ચૂકવણું થવું જોઈએ, પરંતુ ચારથી પાંચ મહિના વીતી ગયા હોવા છતાં, સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બહેનો આવેદનો અને રેલીઓ કરીને થાકી ગઈ છે અને હવે અંતે ધરણાનો માર્ગ અપનાવ્યો છે.

માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો  ઉગ્ર આંદોલનની તૈયારી

આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી તેમનો લઘુતમ વેતનના દાયરામાં સમાવેશ ન થાય, ત્યાં સુધી તેમને મિનિમમ બેજીસ મુજબ ચૂકવણું કરવામાં આવે. આ બહેનો આરોપ લગાવી રહી છે કે સરકાર લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ તાનાશાહી ચલાવી રહી છે, કારણ કે તેમને વિરોધ પ્રદર્શનની મંજૂરી પણ મળતી નથી. આંદોલનકારી બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ તેનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે.

આંદોલન ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) યોજના સાથે સંબંધિત છે, જેણે લગભગ 50 વર્ષ પૂરા કર્યા છે. કાયદા મુજબ, કોઈપણ યોજનાની સમીક્ષા દર 5 કે 10 વર્ષે થવી જોઈએ, પરંતુ સરકાર 50 વર્ષ જૂની આ યોજનાના નકારાત્મક પાસાં પર આંખ આડા કાન કરી રહી છે.

બહેનો દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર સમસ્યાઓ અને માંગણીઓ નીચે મુજબ છે. 

- હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલ રૂ.24,800 (વર્કર) અને રૂ.20,300 (હેલ્પર) નું ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે.

- આંગણવાડીની મુખ્ય કામગીરી ઉપરાંત FRS, પોષણ ટ્રેકર અને BLO જેવી અનેક વધારાની કામગીરીઓનો અસહ્ય બોજ છે.

- આંગણવાડી કાર્યકરોને માત્ર રૂ.10,000 વેતન મળે છે, જેમાંથી અંદાજે રૂ.5,000 તો આંગણવાડીના ખર્ચમાં જ વપરાઈ જાય છે.

- 12 મહિના સુધી આંગણવાડીના ખર્ચના બિલો પાસ થતા નથી. જો આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય અને ભાડું 12 મહિના સુધી ન મળે, તો સંસ્થા ચલાવવી અશક્ય બની જાય છે.

-  સરકાર દ્વારા પોષણ માટે નિર્ધારિત ભાવો એટલા ઓછા છે (જેમ કે 10 પૈસામાં શાકભાજી કે 50 પૈસામાં દાળ/ચણા), જેના કારણે બાળકોને યોગ્ય પોષણ આપવું મુશ્કેલ બને છે.

આ તમામ વિસંગતતાઓ અને માંગણીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતાને કારણે, આંદોલનકારી બહેનોએ સરકારને 'આંધળી, બેરી અને મૂંગી સરકાર' ગણાવી છે, જે પાયાની બહેનોની પીડા સાંભળવા તૈયાર નથી.


Tags :