Get The App

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી 1 - image


Anand Accident: આણંદના વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી 2 - image

આ પણ વાંચો: અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર

અકસ્માત અને આગનું તાંડવ

મળતી માહિતી અનુસાર, ફતેપુરા બ્રિજ પર બે ટ્રકો સામસામે અથડાઈ હતી. એક ટ્રકમાં કોટન કપડાંનો જથ્થો ભરેલો હતો, જ્યારે બીજી ટ્રકમાં જ્વલનશીલ લિક્વિડ પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. લિક્વિડ અને કોટનના કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બંને ટ્રક ચાલકોને બચાવ કામગીરીની તક મળે તે પહેલા જ આખેઆખી ટ્રકો આગની લપેટમાં આવી ગઈ હતી.

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી 3 - image

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મોડી રાત્રે લાગેલી આ આગને ઓલવવા માટે ફાયર ફાયટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કોટન અને લિક્વિડના કારણે આગ વારંવાર ભભકી ઉઠતી હતી, જેના પર કાબુ મેળવવા કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હજુ પણ સાવચેતીના ભાગરૂપે કૂલિંગ પ્રક્રિયા અને આગને સંપૂર્ણપણે ઓલવવાની કામગીરી ચાલુ છે.

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી 4 - image

ટ્રાફિક જામની સ્થિતિ

હાઈવે પર બ્રિજ પર જ આ અકસ્માત સર્જાયો હોવાથી અને આગ વિકરાળ હોવાથી વટામણ-તારાપુર હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવાની અને વાહનોને સુરક્ષિત અંતરે રાખવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક આગમાં જાનહાનિના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માલસામાનનું ભારે નુકસાન થયું છે.