ટૂંકી ગલીમાંથી દબાણો દૂર કરાયા
બે- ત્રણ દિવસમાં શહેરના મોટા ભાગના રોડ પર અડચણરૂપ દબાણ હટાવાશે
આણંદ પાલિકામાં ગતરોજ કાઉન્સિલરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દબાણો સંદર્ભે આવેદનપત્ર આપી ત્રણ દિવસમાં દૂર નહીં કરાય તો આંદોલનની ચિમકી આપી હતી. જેથી મંગળવારે આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમે બપોર પછી ટૂંકી ગલી વિસ્તારમાં દબાણોનો સફાયો કર્યો હતો. લારી અને પાથરણાવાળાઓનો સામાન, કપડા સહિત વિવિધ વસ્તુઓને ટ્રેક્ટરમાં ભરીને જપ્ત કરાઈ હતી. દબાણ ઝૂંબેશનો લારીઓ- પાથરણાવાળાઓએ ભારે વિરોધ પણ કર્યો હતો. આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરેવાલે જણાવ્યું હતું કે, બે- ત્રણ દિવસમાં આણંદ શહેરની જૂની પોસ્ટ ઓફિસ, સિવિલ હોસ્પિટલ, રેલવે ગોદી, અમૂલ અને પોલસન ડેરીઓ, મહેન્દ્ર શાહ હોસ્પિટલ અને આણંદ વિદ્યાનગર રસ્તાઓ સહિત શહેરના તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાશે.


