આણંદ મહાનગરપાલિકા : મ્યુનિ.કમિશનરની નિમણૂક
- સરકાર ગમે તે ઘડીએ અમલવારીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરશે : આણંદ સહિત 7 ગામો મનપામાં સમાવાયા
- આણંદના ડીડીઓ મિલિન્દ બાપના મનપાના પ્રથમ કમિશનર : ભારે વિરોધ છતાં આખરે વિદ્યાનગર અને કરમસદનો મનપામાં સમાવેશ : મોડી સાંજે અધિકારીઓની ઇમરજન્સી બેઠક મળી
આણંદ મનપાનો વિસ્તાર ૮૫ સ્ક્વેર કિલોમીટર નક્કી કરાયો છે. મહાનગરપાલિકા બનાવવા માટે ૩ લાખથી વધુની વસ્તી જરૂરી હોય છે. તેવામાં આણંદ પાલિકા વિસ્તાર સાથે વિદ્યાનગર અને કરમસદનો મનપામાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના વતન કરમસદ અને શિક્ષણ નગરી વિદ્યાનગરની આગવી ઓળખ જળવાઈ રહે તે હેતુથી મનપામાં સમાવેશ ન કરવાની માંગ સાથે અગાઉ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. તેમજ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદ્યાનગર અને કરમસદ પાલિકાનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. પરિણામે બંનેનો મનપામાં સમાવેશ નહીં થાય તેવી શક્યતાઓ પ્રબળ બની હતી. વિદ્યાનગર અને કરમસદના સમાવેશ અંગેના અસમંજસનો અંત આવ્યો હતો અને બંનેની આણંદ મનપામાં સમાવેશની મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ મોગરી, જીટોડિયા, લાંભવેલ અને ગામડીનો પણ મનપામાં સમાવેશ કરાશે.
મહાનગરપાલિકાનો વહીવટ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીપીએમસી) એક્ટ હેઠળ થાય છે. આણંદ મનપાના અમલીકરણની જાહેરાત થતાં જ આણંદ શહેર અને સમાવિષ્ટ ગામડામાંથી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો આપમેળે સભ્યપદેથી રદ થઈ જશે. મનપામાં પ્રમુખના બદલે મેયરની ચૂંટણી થશે, જ્યારે ચીફ ઓફિસરના બદલે કમિશનરની નિમણૂંક કરવામાં આવશે.
નગરપાલિકાનું માળખું રદ થયા બાદ નવેસરથી વોર્ડની રચના કર્યા પછી મનપાની નવી ચૂંટણીઓ યોજવામાં આવશે.
સરકાર દ્વારા આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે આણંદના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની નિમણૂંક કરી છે. કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે.
જેથી ગટર, પાણી, રસ્તાની સુવિધા સમયસર અને આયોજનબદ્ધ રીતે ઉપ્લબ્ધ કરાવવા સાથે વહીવટમાં સુસંગતતા આવશે. તેની સાથે જ શહેરીજનો સહિત મનપામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં કરવેરાનુંભારણ વધશે. આણંદ મનપામાં ૨૦ ટકાથી વધુ કરવેરો વધશે તેમ જાણવા મળ્યું છે.
મહાનગરપાલિકા બનતા લોકોને મળનારા લાભો
* સીધો વહીવટ મ્યુનિસિપલ કમિશનર હસ્તક થતાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઝડપથી ઉકેલાય
* નવા ટીપીના કારણે નવા બાંધકામ બને, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ફાયદો થાય
* દબાણો દૂર કરવા, રસ્તા પહોળા કરવાની કામગીરી ઝડપી થાય
* નવા રસ્તા બનતા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે
* વેરાના દરોમાં વધારો થતાં સ્વભંડોળમાં વધારો થાય
* મનપામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોનો શહેર જેવો વિકાસ થાય
* વોર્ડની સંખ્યા વધતા કાઉન્સિલરો વધે, જેથી વિકાસના કામનું ભારણ ઘટે
પાલિકા પ્રમુખ સહિતના નામ અને હોદ્દાના બોર્ડ દૂર કરાયા
આણંદ મનપાના અમલીકરણની જાહેરાત થતાં જ પાલિકા કચેરીમાં દોડધામ મચી હતી. નગરપાલિકાની વિવિધ કમિટિ, પાલિકા પ્રમુખની ઓફિસ બહાર લગાવેલા નામ અને હોદ્દાના બોર્ડ તેમજ આણંદ નગરપાલિકાનું મુખ્ય બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ચેમ્બરો પણ ખાલી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુરૂવારે ચીફ ઓફિસરની બદલી કરાશે. તેમજ પાલિકાની ભાજપની ચૂંટાયેલી બોડી નિયમો મુજબ સુપરસીડ જાહેર કરવામાં આવશે.
સુવિધાઓ સાથે કરવેરાનું ભારણ વધશે
* હાલના કરવેરા કરતા શહેરીજનો અને ઉદ્યોગકારોને સ્લેબ મુજબ વધુ કરવેરા ચુકવવા પડશે
* વાહનની ખરીદી ઉપર વધુ ટેક્સ લાગશે
મનપામાં સમાવિષ્ટ ગામના આરોગ્ય કેન્દ્રો, શાળા સહિતનો વહીવટ મ્યુનિ. કમિશનર હસ્તક થઈ જશે
આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન જયંત ચૌહાણે જણાવ્યું હતું કે, મનપામાં સમાવિષ્ટ તમામ ગામોમાં આવેલા સીએચસી, પીએચસી, સરકારી શાળાઓ, આંગણવાડીઓ, મધ્યાહ્ન ભોજન કેન્દ્ર સહિતની સરકારી સંસ્થાઓનો વહીવટ મ્યુનિ. કમિશનર હસ્તક થઈ જશે. તેમજ મનપામાં સમાવિષ્ટ ગામોમાં ટેક્સ સંદર્ભે નવી આકારણી લાગુ પડશે. અંદાજે ૨૦ ટકાથી વધુ ટેક્સનું ભારણ પણ નાગરિકો પર વધી જશે.
આણંદ નજીક હોવા છતાં હાડગુડનો મનપામાં સમાવેશ નહીં
આણંદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. મનપાની જાહેરાત થતાં જ પાલિકાનું માળખું વિખેરાયું છે. ત્યારે મનપાની ચૂંટણીમાં પણ ભાજપનું શાસન આવે તેને ધ્યાને લઈ પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આણંદ મનપામાં સમાવેશ કરાયેલા વિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, જીટોડીયા, મોગરી અને ગામડીમાં મોટાભાગે ભાજપનું વર્ચસ્વ છે. આ ગામોનું અંતર આણંદથી થોડું દૂર છે. જ્યારે આણંદથી માત્ર દોઢ કિલોમીટરનું અંતર ધરાવતા અને વધુ વસ્તી ધરાવતા હાડગુડ ગામમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાથી તેનો આણંદ મનપામાં સમાવેશ ન કરાયો હોવાના આક્ષેપ લાગ્યા છે.
આણંદ મહાનગરપાલિકાની વસ્તી 3.60 લાખ થશે
આણંદ મનપામાં આણંદ શહેર સહિત કુલ સાત ગામોનો સમાવેશ થશે. સાત ગામની હાલ પ્રથમ તબક્કાની મનપા બનશે. જેની કુલ વસ્તી ૩,૫૯,૬૪૫ થશે. આગામી સમયમાં મનપામાં વધુ છ ગામોનો સમાવેશ થવાની શક્યતા સેવાઈ રહી છે.
મનપામાં સમાવેશ કરાયેલા ગામો
શહેર વસતી |
આણંદ ૨,૦૯,૪૧૦ |
વિદ્યાનગર ૩૨,૭૦૦ |
કરમસદ ૪૭,૦૦૦ |
મોગરી ૧૯,૭૩૮ |
જીટોડિયા ૯,૨૩૭ |
લાંભવેલ ૧૨,૨૪૦ |
ગામડી ૨૯,૩૨૦ |
|
ફેઝ-૨માં સમાવેશ થનારા સંભવિત ગામોની યાદી
ગામ |
વસતી |
ચિખોદરા |
૩૩,૬૧૪ |
વઘાસી |
૧૧,૦૫૯ |
હાડગુડ |
૨૯,૧૧૫ |
નાવલી |
૧૩,૫૨૦ |
સામરખા |
૪૦,૫૩૭ |
જોળ |
૧૧,૧૨૫ |