AMTS Draft Budget 2026-27: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
બજેટની મુખ્ય બાબતો જોઈએ તો, અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં AMTSના કાફલાની તમામ બસોને AC અને ઈલેક્ટ્રિક બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 4 નવા મલ્ટીમોડેલ હબ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ હબ રિંગ રોડની બહારની સાઈડ અને શહેરની ચારેય દિશામાં બનાવવામાં આવશે, જેથી મુસાફરોને મેટ્રો, BRTS અને GSRTC સાથે સરળ કનેક્ટિવિટી મળી રહે.
AMTSના સંચાલન માટે આ વર્ષે રૂ. 600 કરોડની લોન લેવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ લોનની રકમમાં રૂ.200 કરોડનો વધારો થયો છે. સતત વધી રહેલા ખર્ચ અને લોનને કારણે AMTSનું કુલ દેવું રૂ. 5,000 કરોડની આસપાસ પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે.
બજેટમાં ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવાની અને ઓન-રોડ બસોની સંખ્યા વધારીને મુસાફરોની પ્રતીક્ષા અવધિ ઘટાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, હાલમાં દરરોજ અંદાજે 5.5 લાખ મુસાફરો AMTSનો લાભ લઈ રહ્યા છે, જે આંકડો આગામી સમયમાં વધારવાનું લક્ષ્ય છે.


