અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ

Amreli News: અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક આવેલા અમરપરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
મૃતક યુવકની ઓળખ થઈ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવકની ઓળખ આશરે 30 વર્ષીય ધીરુ ખીમસુરિયા તરીકે કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને તાત્કાલિક બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનું કારણ જાણવા માટે મૃતદેહને વધુ તપાસ અર્થે ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને યુવકના મોત પાછળ હત્યા, અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે.

