અમરેલીના ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા
Amreli News: અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલા ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી 24 વર્ષીય યુવતી હેતલ ભાડ પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવતીને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 24 કલાકમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
બંને આરોપીની પોલીસે ધરપકડ કરી
ગત 16 સપ્ટેમ્બરે સાડા ત્રણ વાગ્યા આસપાસ ઘટના બની હતી. હેતલ ભાડને આરોપી વિપુલ જાદવ અને એક અજાણ્યા વ્યક્તિએ હાથ અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. બંને આરોપીએ યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે અમરેલી પોલીસ સ્ટેશનમાં વિપુલ સહિત અન્ય એક વ્યક્તિ સામે 109ની કલમ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સહાયક આરોપીની તપાસ ચાલી રહી છે. હાલ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી લેવાઈ છે.
આરોપીને ભોગ બનનાર સાથે પ્રેમસંબધ હોવાનું તપાસમાં ખૂલ્યું
પ્રાથમિક પોલીસ તપાસમાં ભોગ બનનારની એક મહિના પહેલા અન્ય જગ્યાએ સગાઈ કરવામાં આવી હતી. આરોપી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો અને હવે આરોપી સાથે વાત ન કરતી હોવાના કારણે હુમલો કર્યો હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે. આરોપી વિપુલ જાદવ વિરૂદ્ધ અગાઉ જુગાર સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. ગુનાની તપાસ અમરેલી સીટી પોલીસ કરી રહી છે. આ અંગે અમરેલીના એએસપી જયવીર ગઢવીએ માહિતી આપી હતી.
શું હતી ઘટના?
અમરેલી શહેરમાં આવેલા ભાવકા ભવાની મંદિરે માતા અને દીકરી હેતલ કામકાજ કરવા ગયા હતા. તે દરિમયાન માતા અન્ય ઘરે કામકાજ કરવા ગઇ હતી અને દીકરી મંદિરે કામકાજ કરતી હતી. તે દરમિયાન વિપુલ અને તેની સાથે આવેલા અજાણ્યા એક વ્યક્તિ એ જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી, પરંતુ આરોપી વિપુલ યુવતી સાથે સંપર્ક સાધવા માગતો હતો. પરંતુ યુવતી તેના સંપર્કમાં આવતી ન હોવાથી 'મારી સાથે કેમ વાત નથી કરતી?' એમ કહી આરોપીએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ છરીના ઘા ઝીંક્યા હતા. વિપુલ સાથે આવેલ એક અજાણ્યા વ્યક્તિએ યુવતીને પકડી રાખી હતી અને ત્યારબાદ હુમલો અંજામ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે યુવતીની મુલાકાત લઈને સરકાર સામે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. 'દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે, દીકરીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર ચિંતા કરવાની જરૂર છે.