અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા
Amreli News : સરકારી શાળાઓમાં હવે માત્ર સ્માર્ટ બોર્ડ જ નહીં, પણ શિક્ષકો પણ સ્માર્ટ બની રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવનારા આવા જ એક શિક્ષક છે અમરેલીની બવાડી પ્રાથમિક શાળાના વરૂણકુમાર દવે. તેમણે પોતાના નવતર પ્રયોગો થકી ધોરણ 6 થી 8ના બાળકો માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને એકદમ સરળ અને રસપ્રદ બનાવી દીધા છે.
અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો
વર્ષ 2025માં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર જીતનારા વરૂણકુમાર ટેક્નોલોજીના અવનવા પ્રયોગો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. તેમણે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR)નો ઉપયોગ કરીને વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ સમજાવવાનું શરૂ કર્યું છે. VR બોક્સના માધ્યમથી બાળકો માનવ શરીરના હૃદયની કામગીરી, શ્વસનતંત્ર અને કંકાલતંત્ર જેવા વિષયોને સરળતાથી સમજી અને શીખી રહ્યા છે.
એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા
શિક્ષણ જગતમાં તેમના સૌથી નોંધપાત્ર પ્રયોગોમાં ‘વરૂણ મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ’ અને ‘ડેટા એનાલિસીસ રોબોટ’નો સમાવેશ થાય છે. આ એપ અત્યાર સુધીમાં ગુજરાતના 10 હજારથી વધુ બાળકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપની મદદથી બાળકો વૈદિક ગણિત અને વિજ્ઞાનના 360 ડિગ્રીના વીડિયો જોઈને શિક્ષણ મેળવી રહ્યા છે, જેના કારણે ગણિત વિષય પણ સરળ બન્યો છે. આ ઉપરાંત, તેમણે બનાવેલો ‘ડેટા એનાલિસીસ રોબોટ’ વિજ્ઞાનના પ્રયોગો માટે એક અનોખું સાધન પૂરું પાડે છે. આ રોબોટના માધ્યમથી બાળકો હાર્ટબીટ, બ્લડ પ્રેશર અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જેવી બાબતોના લાઈવ પ્રયોગો કરી શકે છે. વર્ષ 2023માં આ રોબોટને ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટમાં ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.
વરૂણ દવે માત્ર ટેકનોલોજી પર જ આધારિત નથી, પરંતુ ગણિત-વિજ્ઞાન કીટ અને પોકેટ સાઈઝ ડિક્શનરી જેવા પ્રયોગોથી પણ છેવાડાના બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. વર્ષ 2015થી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપતા તેમણે દીક્ષા ડિજિટલ પોર્ટલ પર ઈ-કોર્સ નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે. નવી શિક્ષણ નીતિના વ્યવસાયિક શિક્ષણના ભાગરૂપે તેમનો લેખ પણ મે-જૂન, 2025ના ‘જીવન શિક્ષણ’ માસિકમાં પ્રકાશિત થયો છે.
આ પણ વાંચો: પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
આધુનિક ટેકનોલોજી અને નવતર અભિગમોના કારણે હવે સરકારી શાળાઓ પણ ડિજિટલ બની છે અને સ્માર્ટ શિક્ષકો શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિ લાવી રહ્યા છે. આવા પ્રયોગો થકી બાળકોનો વિષય પ્રત્યેનો રસ વધે છે અને શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.