અમરેલીમાં વીજ ચેકિંગના અધિકારીઓને ભગાડવા મામલે ફરિયાદ દાખલ, સરપંચના નામે ધમકાવ્યા હતા
Amreli News: અમરેલી જિલ્લામાં બગસરાના માવજીંજવા ગામે વીજ ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમને ગામના રોષનો ભોગ બનવું પડ્યું હતું, સ્થાનિકોએ પીજીવીસીએલની ટીમને ગામમાંથી હાંકી કાઢી હતી. આ મામલે હવે કુકાવાવના વીજ કચેરીના નાયબ ઈજનેર ધમકી આપનાર શખસ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે.
જાણ શું છે મામલો
મળતી માહિતી અનુસાર, 12મી સપ્ટેમ્બરે બગસરા તાલુકાના માવજીંજવા ગામમાંથી પીજીવીસીએલની ટીમને ગ્રામજનો અને સરપંચ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પીજીવીસીએલની સાતથી આઠ ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે સવારે ગામમાં વીજ ચેકિંગ માટે પહોંચી હતી. પરંતુ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે પીજીવીસીએલ દ્વારા ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં કુકાવાવના વીજ કચેરીના નાયબ ઈજનેરને ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી
ઉલ્લેખનીય છે કે, ગામના સરપંચ મહેશ સભાડિયાએ પીજીવીસીએલની પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, 'ગામના લોકોએ પીજીવીસીએલને લગતા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. પીજીવીસીએલ પાસે ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી.'
પીજીવીસીએલની કામગીરી અંગે સરપંચે કહ્યું હતું કે, 'ગામમાં વીજવાયરો તૂટેલા છે અને પીજીવીસીએલ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગામમાં પ્રવેશ કરતાં પહેલાં જ્યોતિગ્રામ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરવું જોઈએ. ગામ અમારા બાપનું છે, મહેરબાની કરીને મને પૂછ્યા વગર મારા ગામમાં પગ ન મૂકતા, નહીંતો કોઈના ટાંગા-બાંગા ધોવાઈ જશે વગરકામના, જો તમે મેન્ટેનન્સનું કામ પૂરું કરીને આવશો, તો અમે સાથે રહીને ચેકિંગ કરાવીશું.'