નર્મદા ડેમની સપાટીમાં વધારો: ફરી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, મહત્તમ સપાટી માત્ર 2.35 મીટર દૂર
Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.33 મીટરે પહોંચી છે, જે મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 2.35 મીટર દૂર છે. આ સીઝનમાં બીજી વાર ડેમની સપાટી 136 મીટરનો આંકડો પાર કરી છે. હાલ ડેમમાં 93.69% પાણીનો સંગ્રહ થયો છે. ડેમ સંપૂર્ણ ભરાવાને આરે હોવાથી રાજ્યભરના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
પાણીની સતત આવકને પગલે ડેમના 10 દરવાજા 1.04 મીટર ખોલવામાં આવ્યા છે. આ દરવાજામાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.
રાજ્યમાં 107.77 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં સુધીમાં 107.77 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 118.72, મધ્ય પૂર્વમાં 110.10, સૌરાષ્ટ્રમાં 93.36 અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આ જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગ અનુસાર, આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાશે.