Get The App

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત 1 - image


Amreli News: હાલ જાફરાબાદના શિયાળબેટ માટે વિકાસ અને વિનાશ એક સિક્કાની બે બાજુ સમાન બન્યો છે! જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક આવેલ પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપની મારફતે LPG ગેસ જેટી માટે ડ્રેજિંગની કામગીરી શરૂ થતાં શિયાળબેટ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા છે અને જાળને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે પેઢી દર પેઢીથી ચાલી આવતી માછીમારોની રોજગારી પર સંકટ ઊભું થયું છે. 

શિયાળબેટ પર જોખમ ઊભું થયાનો દાવો

ડ્રેજિંગ ખૂબ ઊંડાણ પૂર્વક દરિયામાં કરવામાં આવે છે જેના કારણે અંદર રહેલા પથ્થર બહાર કાઢવામાં આવે છે, જે ટાપુ પર આવેલા શિયાળબેટ ગામ માટે જોખમ ઊભું કરી શકે છે. જેથી દરિયાઈ નિષ્ણાંત ટીમો સાથે ડ્રેજિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો કામ અટકાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

કલેકટરને કરવામાં આવી રજૂઆત

આજે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી, શિયાળબેટ સરપંચ, ગ્રામજનો સાથે અમરેલી કલેકટર વિકલ્પ ભારદ્વાજ સમક્ષ રજૂઆતો કરવામા આવી હતી કે ઉદ્યોગના કારણે ગામ આખુ બરબાદ થઈ જાય એવું નહીં ચાલે. ઉદ્યોગનો કોઈ વિરોધ નથી પણ ગ્રામજનોને કોઈ નુકસાન ન જાય અને રોજીરોજી મળી રહે તે પણ મહત્વનું છે. 

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત 2 - image

'બોયા અને જાળમાં ખૂબ નુકસાન'

હીરા સોલંકીએ કહ્યું હતું કે જાફરાબાદ તાલુકામાં શિયાળબેટ ટાપુ છે, અહીંયા પીપાવાવ પોર્ટમાં જેટીનું કામ શરૂ થયુ છે. અનેક માછીમારો રહે છે. ત્યારે આ બોટ આવવાના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. પોર્ટવાળા કોઈ ધ્યાન આપતા નથી. અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ડ્રેજિંગના કારણે શિયાળબેટનું અસ્તિવત જ ભુસાઈ જશે. બોયા અને જાળમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં વળતર આપવામાં આવતું નથી. 

આ પણ વાંચો: 'ફિલ્મ પર પ્રતિબંધ મૂકો...', ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ

'કામે રાખતા નથી કોઈ જાતની નોકરી આપતા નથી'

શિયાળ બેટ સરપંચ મંજુબેન બાળધીયાએ જણાવ્યું કે 'અત્યારે પીપાવાવ પોર્ટની નવી જેટીનું નિર્માણ થાય છે જેના કારણે ડ્રેજિંગના કારણે શિયાળબેટને મોટું નુકસાન થાય છે, નાના પાયાના માછીમારીનો ધંધો કરે છે તેનું રોજીરોટીનો પ્રશ્ન છે, બોયા તોડી નાખ્યા છે પીપાવાવ બંદર એટલી મોટી કંપની હોવા છતાં 50 ટકા ગ્રામજનોને કામે રાખતા નથી કોઈ જાતની નોકરી આપતા નથી.'