| ફોટો સોર્સ: ફિલ્મ ધુરંધર |
Dhuradhar Movie Dialogue Controversy: હાલ દેશમાં ફિલ્મ 'ધુરંધર' ડંકો વગાડી રહી છે, દર્શકોને ફિલ્મ એટલી પસંદ આવી રહી છે કે સિનેમાઘરોમાં હાઉસફૂલના પાટિયા વાગ્યા છે, ત્યારે ગુજરાતમાં ફિલ્મ 'ધુરંધર' સામે જૂનાગઢમાં રોષ ફાટી નીકળ્યો છે. બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન કરવામાં આવ્યું છે.
કયા ડાયલોગ પર વિવાદ?
'હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.' તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રીલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં ખાસ આ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટમાં જવાની ચીમકી
ફિલ્મ પર પ્રતિબંધની માગ અને હાઈકોર્ટમાં જવાની ચીમકી સાથે બલોચ મકરાણી સમાજના પ્રમુખ એજાજ મકરાણીએ કહ્યું કે માત્ર પૈસાની કમાણી કરવા ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે. ફિલ્મમાં બલોચ સમાજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાજની માંગ છે કે આવા ડાયલોગ બનાવનાર તેમજ બોલનાર તમામ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવે અને તાત્કાલિક આવા સંવાદોને ફિલ્મમાંથી દૂર કરવામાં આવે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. સાથે તેમણે એ પણ ટાંક્યું કે જો ફિલ્મોમાં કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી આવા ડાયલોગ બોલશે તો આવનાર સમયમાં દેશભરમાં સામાજિક તંગદિલી વાતાવરણ ઊભું થઈ શકે છે.
જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવશે
સાથે બલોચ સમાજના અગ્રણીએ એ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં લઈ જશે. આવતીકાલે (11 ડિસેમ્બર) વિરોધના ભાગરૂપે ઠેર ઠેર બલોચ સમાજ જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવશે.
ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ સમાજ
મહત્વનું છે કે બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે ગુજરાતમાં તેમની 8 લાખથી વધુની વસ્તી છે, અને એકલા જૂનાગઢમાં 25 હજારથી વધુ બલોચ સમાજના નાગરિકો વસવાટ કરે છે ત્યારે ફિલ્મી ડાયલોગના કારણે છંછેડાયેલો આ વિવાદનો મધપૂડો આગામી સમાજમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
બલોચ પ્રજા આતંકવાદની સમર્થક નથી: પાકિસ્તાનનો બલોચ સમાજ નારાજ
‘ધુરંધર’ ફિલ્મથી પાકિસ્તાનનો બલોચ સમાજ નારાજ છે. બલોચ નેતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મમાં દેખાડ્યું છે એ મુજબ બલોચ પ્રજાએ ક્યારેય આતંકવાદને સમર્થન નથી આપ્યું. તેઓ પોતે પાકિસ્તાની શાસન અને દમનના ભોગ બન્યા છે અને તેમણે ક્યારેય ભારત વિરુદ્ધ ISI સાથે હાથ મિલાવ્યો નથી કે તેનો ટેકો આપ્યો નથી.
ફિલ્મમાં અસત્યતા દર્શાવાઈ હોવાનો આરોપ
ફિલ્મના એક દ્રશ્યમાં બલોચ પાત્રોને 26/11ના મુંબઈ આતંકી હુમલાની ‘ઉજવણી’ કરતા બતાવાયા છે. બલોચ નેતાઓ અને કાર્યકર્તાઓએ એ ચિત્રણને ઐતિહાસિક રીતે ખોટું અને અન્યાયી ગણાવતાં કહ્યું છે કે, બલોચ સમુદાય પોતે પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા ISI દ્વારા દાયકાઓથી દમન, અપહરણ અને અત્યાચારનો ભોગ બનતો રહ્યો છે. ફિલ્મમાં દેખાડ્યું છે એમ અમે ક્યારેય ભારત વિરોધી આતંકવાદમાં પાકિસ્તાનનો સાથ નથી આપ્યો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાની આતંકી હુમલાની ઉજવણી નથી કરી.
વફાદારી પર સવાલઃ ‘મગર કરતાં ઓછા વિશ્વસનીય?’
ફિલ્મમાં એક સંવાદ એવો છે કે, ‘તમે મગર પર વિશ્વાસ કરી શકો છો, પણ બલોચ પર નહીં.’ બલોચ સમુદાયને આ સંવાદ અપમાનજનક અને આઘાતજનક લાગ્યો છે, કેમ કે બલોચ સંસ્કૃતિ અને રિવાજો મહેમાનનવાજી અને વફાદારી જેવા ઊંચા સદગુણો માટે જાણીતી છે. એક પ્રચલિત બલોચ કહેવત છે કે, ‘જો કોઈ બલોચ તમારા ઘરે એક ગ્લાસ પાણી પણ પી જાય છે તો તે એક સદી એટલે કે એની આંખી જિંદગી માટે તમારી ઋણી બની જાય છે.’
કહેવાનો અર્થ એ કે કોઈની નાનકડી મદદ બદલ પણ બલોચ લોકો પોતાની વફાદારી એમને નામે લખી દે છે. આવી સંસ્કૃતિના લોકો પર ફિલ્મમાં 'વિશ્વાસઘાત'નો આક્ષેપ લગાવાયો છે એ એમને એમની સાંસ્કૃતિક ઓળખ પર હુમલો સમાન લાગ્યો છે. બલોચ નેતાઓનું કહેવું છે કે, જો ફિલ્મના નિર્માતાઓએ યોગ્ય સંશોધન કર્યું હોત, તો તેઓ આવો સંવાદ લખીને એક જનસમુદાયને નારાજ કરવાથી બચી શક્યા હોત.
બલુચિસ્તાનનો દમન અને શોષણથી ભરેલો સંઘર્ષ
એ વાત તો બહુ જાણીતી છે કે બલોચ લોકો દાયકાઓથી પાકિસ્તાનથી અલગ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમનો ઇતિહાસ રાજકીય દમન અને શોષણથી ભર્યો પડ્યો છે.
1948માં બળજબરીથી વિલીનીકરણ: બ્રિટિશ સમયગાળામાં હાલનું બલુચિસ્તાન ‘કલાત પ્રદેશ’ તરીકે ઓળખાતું, જે અર્ધ-સ્વાયત્ત હતું. એટલે કે તેના પર અંગ્રેજોનું સંપૂર્ણ નિયંત્રણ નહોતું. સ્વતંત્રતા પછી એ પ્રદેશે પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો, પણ થોડા જ સમયમાં પાકિસ્તાને બલોચ પ્રજાના અભિપ્રાય અથવા સંમતિ વિના તેને પોતાનામાં ભેળવી દીધો. સૈન્ય દબાણ અને કપટથી વિલીનીકરણ પામ્યા પછી બલુચિસ્તાનના અનંત સંઘર્ષની શરૂઆત થઈ.
સાંસ્કૃતિક દમન અને માનવાધિકાર ઉલ્લંઘન: વિલીનીકરણ પછી પાકિસ્તાને બલુચ પ્રજાની ભાષા, સંસ્કૃતિ અને રિવાજોનું દમન કરીને તેમના પર પોતાની સંસ્કૃતિ, ભાષા અને રિવાજો લાદવાનું શરૂ કર્યું. વિરોધ કરનારા માનવાધિકાર કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા, તો કેટલાકને કાયમ માટે અદૃશ્ય કરી દેવાયા. બલોચ પ્રજા નકલી એન્કાઉન્ટર, યુવતીઓના અપહરણ અને પ્રેસ પર પ્રતિબંધ જેવા દમનનો ભોગ બનતી રહી. માનવાધિકારોનું પાકિસ્તાની સૈન્યે અહીં બેફામ ઉલ્લંઘન કર્યા કર્યું. આજે પણ આ બધું ચાલુ છે.
સંસાધનોનું શોષણ અને આર્થિક બહિષ્કાર: બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. અહીં પ્રચુર માત્રામાં કુદરતી સંપત્તિ છે. ગેસ, ખનીજ, તાંબુ, સોનું અને ગ્વાદર સહિતના વ્યૂહાત્મક બંદરો બલુચિસ્તાન પાસે છે, પરંતુ આ સંસાધનોના લાભોથી બલોચ લોકો વંચિત છે. બલુચિસ્તાનના કુદરતી સંસાધનોથી જે કંઈ આવક થાય છે એ પાકિસ્તાનના અન્ય પ્રાંતોના લાભાર્થે વપરાય છે અને બલોચ પ્રજા પોતે ગરીબી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાના અભાવનો સામનો કરે છે.
બલુચિસ્તાન ભારત વિરોધી નહીં, પરંતુ સહાનુભૂતિ રાખનારું
બલોચ નેતાઓ સતત ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનમાં બલોચ લોકો પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા અને હસ્તક્ષેપ કરવા માટે અરજ કરે છે. જ્યારે ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને ઠમઠોરવામાં આવ્યું છે ત્યારે પણ બલોચ પ્રજાએ ઉજવણી કરી છે અને ભારતમાં સમર્થનમાં નિવેદનો આપે છે. બલોચ નેતાઓએ ભારતને વિનંતી કરી છે કે જે રીતે ભારતે બાંગ્લાદેશને આઝાદ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એવી જ રીતે, ભારત બલોચ સ્વતંત્રતા ચળવળને પણ રાજકીય અને નૈતિક ટેકો આપીને સ્વતંત્ર બલુચિસ્તાનના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે.
પીડિત સમુદાયની વ્યથા સંવેદનશીલતાથી રજૂ થવી જોઈએ
'ધુરંધર' ફિલ્મ સાથે સંકળાયેલો આ વિવાદ દર્શાવે છે કે, જટિલ ભૂ-રાજકીય સંઘર્ષોને સરળ, બાઈનરી (સફેદ કે કાળા) નેરેટિવમાં સમેટવાની વૃત્તિ વાસ્તવિકતાને વિકૃત કરી શકે છે અને પીડિતોની વ્યથા બાબતે વૈશ્વિક સ્તરે ગેરસમજણ ફેલાવી શકે છે. ભલે ફિલ્મ જેવું કાલ્પનિક માધ્યમ જ કેમ ન હોય, પણ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાનું ચિત્રણ કે ચર્ચા કરતી વખતે તટસ્થ ભૂમિકા જાળવી રાખવું અત્યંત જરૂરી છે.


