Get The App

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ 1 - image


Amreli Farmer Protest: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદની અછત વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા માટે પિયતની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, તેમના માટે વીજળી પણ એક મોટી સમસ્યા બની ગઈ છે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર AMCની બહેનોને ભેટઃ AMTSમાં મહિલાઓ કરી શકશે મફત મુસાફરી

અનિયમિત વીજ પુરવઠો અને ખેડૂતોનો રોષ

ઘાંડલા ફીડર હેઠળ આવતા ઘાંડલા, ભમર, ચીખલી, દોલતી, અને ભાક્ષી સહિતના છ ગામોના ખેડૂતોને છેલ્લા 8-10 દિવસથી ખેતીવાડી માટે વીજ પુરવઠો નિયમિત રીતે મળતો નથી. પિયત માટે વીજળીની તાતી જરૂરિયાત હોવા છતાં વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ તમામ ગામોના ખેડૂતો રાત્રે વિજપડી ખાતેની PGVCL(પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરીએ પહોંચ્યા હતા અને 'ખેડૂતોને લાઇટ આપો'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ 2 - image

કચેરી બંધ અને અધિકારીઓ ગેરહાજર

નોંધનીય છે કે, ખેડૂતો જ્યારે વીજળીની સમસ્યાની રજૂઆત કરવા કચેરી પહોંચ્યા ત્યારે તેમને નિરાશા હાથ લાગી હતી. કચેરીને તાળા લાગેલા હતા અને ફોલ્ડ સેન્ટર પણ બંધ હતું. એક પણ કર્મચારી કે અધિકારી ત્યાં હાજર ન હોવાના કારણે ખેડૂતો વધુ રોષે ભરાયા હતા. ખેડૂતોએ જણાવ્યું કે, 'અમે પાકને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આવા સમયે જ્યારે અમને મદદની સૌથી વધુ જરૂર છે, ત્યારે સંબંધિત અધિકારીઓ ગેરહાજર છે.'

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ 3 - image

આ પણ વાંચોઃ ખોટનો ધંધો! ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં 818 કરોડનું નુકસાન, જેમાં સૌથી વધુ રાજકોટને

ખેડૂતોની આ સમસ્યાએ દર્શાવ્યું કે, કેવી રીતે કુદરતી આફતો અને સરકારી સુવિધાઓની અછત ખેડૂતોને બેવડી મુશ્કેલીમાં મૂકી રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સરકાર અને વીજ કંપની માટે એક ચેતવણીરૂપ છે કે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.

Tags :