અમરેલી હિટ એન્ડ રનમાં ચોંકાવનારો ખુલાસો, અંગત અદાવતમાં કાર નીચે કચડવાનો પ્રયાસ કરી ફરાર
Amreli News: રાજ્યમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. અસામાજિક તત્ત્વોની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. કહેવાતા સુરક્ષિત ગુજરાત રાજ્યની દર બીજા દિવસે પોલ ખુલી રહી છે. ત્યારે રવિવારે રાત્રે અમરેલીમાં સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બે દિવસ પહેલાં સાવરકુંડલામાં બનેલી મારામારી ઘટનાને લઇને મનદુ:ખ હોવાથી કાર ચાલકે જાહેરમાં ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કારચાલકે ત્રણ યુવકોને અડફેટે લીધા હતાં. જેમાં બે યુવકોને ગંભીર પહોંચી હતી, જ્યારે અન્ય યુવક નીચે પટકાતાં કારચાલકે નીચે પટકાયેલા યુવક પર કારને રિવર્સ લઈને ચઢાવી દીધી હતી. આ હત્યાના બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
આ પણ વાંચો: VIDEO : અમરેલી સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોને અડફેટે લીધા
સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળ બનેલી ચકચારીને ઘટનાને પગલે પોલીસ સફાળી જાગી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કારની ઓળખ કરી લીધી છે, જ્યારે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.