VIDEO: 'વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..' અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી
Amreli News : રાજ્યભરમાં વીજચોરી ડામવા માટે PGVCL દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, અમરેલીના ધારી શહેરમાં PGVCLની જુદી-જુદી ટીમો દ્વારા રહેણાંક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ બગસરાના માવજીંજવા ગામે PGVCLની ટીમને ગામના રોષનો ભોગ બનવું પડ્યું હતું, સ્થાનિકોએ PGVCLની ટીમને ગામમાંથી હાંકી કાઢી હતી.
PGVCLની ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધારી શહેરના નવી વસાહત ખાડિયા વિસ્તારમાં વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ અચાનક ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. PGVCLની વીજ ચેકિંગ ટીમોને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામમાંથી ગ્રામજનો અને સરપંચ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. PGVCLની સાતથી આઠ ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે ગામમાં ચેકિંગ માટે પહોંચ્યો હતો, પરંતુ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી
ગામના સરપંચ મહેશ સભાડિયાએ PGVCL પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, "ગામના લોકોએ PGVCLને લગતા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. PGVCL પાસે ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી."
PGVCLની ટીમ માત્ર ફોટા પાડી બાદમાં દંડના બિલ મોકલે છે
સરપંચે વધુમાં કહ્યું કે, "ગામમાં વીજવાયરો તૂટેલા છે અને PGVCL દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગામમાં પ્રવેશ કરતાં પહેલાં જ્યોતિગ્રામ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરવું જોઈએ. ગામ અમારા બાપનું છે, મહેરબાની કરીને મને પૂછ્યા વગર મારા ગામમાં પગ ન મૂકતા, નહીંતો કોઈના ટાંગા-બાંગા ધોવાઈ જશે વગરકામના, જો તમે મેન્ટેનન્સનું કામ પૂરું કરીને આવશો, તો અમે સાથે રહીને ચેકિંગ કરાવીશું."
આ પણ વાંચો: ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો
સરપંચનો એવો પણ આરોપ છે કે, PGVCLની ટીમોએ માત્ર ફોટા પાડીને ગામમાંથી વિદાય લીધી છે અને બાદમાં દંડના બિલ મોકલશે. આ ઘટનાને પગલે PGVCL અને ગ્રામજનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.