અમદાવાદ: 'શબાબ'માંથી 'સતીશ' બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ ઝડપાયો
Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 'શબાબ'માંથી 'સતીશ' બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવકે યુવતી સાથે બે વખત મૈત્રી કરાર કરાવ્યા હતા અને યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે આરોપી વિરુદ્ધમાં દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દુષ્કર્મનો આરોપી હોમગાર્ડની ધરપકડ
પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2021માં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતાં આરોપી શબાબ શેખે વાહન ચેકિંગના નામે કમ્પ્યુટર ક્લાસિસ જતી દુષ્કર્મ પીડિત યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. આ પછી શબાબ સતીશ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવે છે અને ફોનમાં વાતચીત કરવાનું શરૂ કરે છે. થોડા સમય બાદ વર્ષ 2021માં જ આરોપીએ યુવતી સાથે મૈત્રી કરાર કરાવ્યા હતા. જોકે, યુવતીને આરોપી મુસ્લિમ હોવાનું જાણ થતાં તેણે સંબંધ પૂરા કર્યા હતા. તેમ છતાં આરોપી શબાબ યુવતીનો પીછો કરતો હોવાથી વર્ષ 2023માં યુવતીએ સામાજિક રીતરીવાજ પ્રમાણે સુરતના એક યુવક સાથે લગ્ન કર્યા હતા.
યુવતીએ લગ્ન કર્યા હોવાની જાણ થતાં આરોપી શબાબે યુવતીના પતિને ફોન કરીને તેમના સંબંધની જાણ કરી હતી. જેથી બે મહિનામાં યુવતીના છૂટાછેડા થઈ ગયા હતા. તેવામાં શબાબ યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતાં બંનેએ વર્ષ 2025માં મૈત્રી કરાર કરીને જોડે રહેતા હતા. આ દરમિયાન શબાબ યુવતીને ત્રાસ આપતો હોવાથી યુવતીને તેના માતા-પિતાને ત્યાં જતી રહી હતી. અંતે કંટાળીને સમગ્ર મામલે અરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળ્યું હતું કે, આરોપી શબાબ પરણિત હતો અને તેને સંતાનો હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને અફસાના નામ રાખવા દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી યુવતીએ બે વખત અરજી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગાળની કાર્યવાહી હાથ ધરી છે.