'આ તો ચીટિંગ છે...' આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક, વીડિયો વાઇરલ
Viral Video on Social Media: ભરૂચની આમોદ નગર પાલિકામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમના નામે ફક્ત દેખાવો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સફાઈનું નાટક કરતા જોવા મળે છે. જેને લઇને સ્થાનિક નાગરિકો અને સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
'આ તો ચીટિંગ કહેવાય'
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત કેટલાક લોકો હાથમાં સાવરણી અને ડોલ લઈને એકઠા થયા છે. આ દરમિયાન વાતચીત વખતે એક વ્યક્તિ ગુસ્સામાં કહે છે, 'આ તો ચીટિંગ કહેવાય... ડોલનો કચરો લાવીને બહાર નખાય.' ડોલમાં ભરેલો કચરો જાણી જોઈને જાહેરમાં ફેંકી દીધો હતો, જેનાથી સ્થાનિકો નારાજ થયા હતા.
આ વીડિયો શૂટ થઇ રહ્યો હતો ત્યારે પાછળથી એક પીડિત વ્યક્તિએ દુઃખ સાથે કહ્યું, 'મારા રામ, મારા ભગવાન, આવતા જન્મમાં કલ્પેશભાઈને વાલ્મીકિ સમાજમાં અવતાર આપે.' આ વાક્ય સફાઈ કામદારોની વેદના અને અસંતોષને ઉજાગર કરે છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે જો અધિકારીઓ તેમના ( વાલ્મીકિ સમાજ) જેવી સ્થિતિમાં જીવશે, તો જ તેમને તેમની મુશ્કેલીઓનો અહેસાસ થશે.