'જૂનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને તમામ સગવડ અપાય છે', મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલ વડાને પત્ર

Amit Khunt Case : રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા જૂનાગઢની જેલમાં છે, ત્યારે આરોપી અનિરૂદ્ધસિંહને ગુજસીટોકના આરોપીઓ મળવા આવ્યાનો મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આક્ષેપ કર્યા છે. મનીષ ખૂંટે રાજ્યના જેલના વડાને પત્ર લખીને જૂનાગઢ જેલના અધિક્ષક દીપક ગોહેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
અનિરૂદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. તેવામાં મૃતક અમિત ખૂંટના ભાઈએ આપેક્ષ કર્યો છે કે, 'અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલમાં મોબાઈલ સહિતની સગવડ આપવામાં આવે છે. અનિરૂદ્ધસિંહ જેલમાં રહી અમારા પરિવાર હુમલો કરાવશે. અમિત ખૂંટ આપઘાત કેસમાં પુરાવા સાથે છેડછાડ કરશે.'
મનીષ ખૂંટે આક્ષેપ કર્યો કે, ગુજસીટોકના આરોપીઓ અનિરૂદ્ધસિંહને જેલમાં મળવા આવી રહ્યા છે. જેમાં યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા (જામનગર) અને સોયબ નાગોરી સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં પણ જ્યારે અનિરૂદ્ધસિંહ જૂનાગઢ જેલમાં બંધ હતા, ત્યારે પણ તેઓ જેલમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા.