For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ દળના નેતાનો ચાર્જ સંભાળ્યો

દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપનેતા તરીકે ચાર્જ સંભાળ્યો

Updated: Jan 25th, 2023



ગાંધીનગર, 25 જાન્યુઆરી 2023 બુધવાર

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધતાં તેર તૂટે તેવી સ્થિતિ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં પણ કોંગ્રેસનો સૌથી મોટો ધબડકો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વિપક્ષનું પદ મેળવવા માટે હવે પક્ષના નેતાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે વિધાનસભામાં કોંગ્રેસ દળના નેતાનો ચાર્જ સંભાળવા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા હતાં. તેમની સાથે ઉપનેતા તરીકે દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતાં. ચાર્જ સંભાળ્યા પહેલાં તેમણે પૂજા અર્ચના કરી હતી. અમિત ચાવડાએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો ત્યારે કોંગ્રેસના 17માંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહ્યાં છે. 

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓને સસ્પેન્ડ કરાયા
બીજી તરફ કોંગ્રેસ પણ હવે એક્શનના મુડમાં આવી ગઈ છે. ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ કોંગ્રેસમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકરોને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરાયા
આ વખતે ડિસેમ્બર 2022 માં  કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. 


Gujarat