Ahmedabad

અમદાવાદમાં 12 હજાર કરોડ રૂપિયાનો લોજિસ્ટિક પ્લાન! ટ્રાન્સપોર્ટ નગરથી માંડીને માઈક્રો ડિલિવરી હબ બનાવાશે

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 12,315 કરોડના ખર્ચે સિટી લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ત્રણ તબક્કામાં અમલવારી થશે. 2025-47 દરમિયાન શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર, માઇક્રો ડિલિવરી હબ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ જેવા વિચારો રજૂ થયા છે. આ યોજનાથી માલ પરિવહન સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 12 હજાર કરોડ રૂપિયાનો લોજિસ્ટિક પ્લાન! ટ્રાન્સપોર્ટ નગરથી માંડીને માઈક્રો ડિલિવરી હબ બનાવાશે

Ahmedabad News: અમદાવાદના શહેરીજનોને ભલે પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોય, પરંતુ મ્યુનિસિપલના શાસકો અને અધિકારીઓ વૈશ્વિક કક્ષાના કરોડો રૂપિયાના આયોજનો કરવા માટે હંમેશા તત્પર રહે છે. કંઈક આવો જ વિચાર હવે માલ પરિવહનના ક્ષેત્રમાં શરૂ થયો છે. અમદાવાદ શહેરનો રૂપકડો લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે. ત્રણ તબક્કાના આ પ્લાનમાં શહેરની બહાર ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવાથી માંડીને શહેરના આંતરિક વિસ્તારોમાં માઇક્રો ડિલિવરી હબ તેમજ નાના અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ સુધીના વિચાર રજૂ થયા છે.

અમદાવાદ શહેર માટે વિકસીત ભારત 2047ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો સિટી લોજિસ્ટિક પ્લાન સફળ થાય તો ખૂબ સારી વાત છે. પરંતુ મોટાભાગના આવા આયોજનોમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી સ્થિતિ ઠેરની ઠેર રહે છે અથવા તો બીઆરટીએસ કે મેટ્રો રેલની માફક શહેરીજનો માટે મોટી હાડમારી નોતરે છે. અમદાવાદ સિટી લોજિસ્ટિક પ્લાન હેઠળ 12,315 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ત્રણ તબક્કામાં અમલવારીનો વિચાર વહેતો કરાયો છે. વર્ષ 2025-30, 2030-35 અને 2035-47 દરમિયાન તબક્કાવાર રીતે ત્રિસ્તરીય લોજિસ્ટિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

જેમાં સૌપ્રથમ શહેરની બહાર મલ્ટિમોડેલ લોજિસ્ટિક પાર્ક તૈયાર કરાશે. ત્યાર બાદ શહેરી એકત્રીકરણ અને વિતરણ કેન્દ્રો અને અંતિમ તબક્કામાં માઇક્રો ડિલિવરી હબમાંથી નાના વાહનો મારફતે શહેરના આંતરિક વિસ્તારોમાં માલ પરિવહન કરાશે. આ આયોજન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, ઔડા, ગુજરાત સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટી, ખાનગી ક્ષેત્રની ભાગીદારી આધારિત રહેશે. વર્ષ ૨૦૨૪-૨૫ના એક અંદાજ અનુસાર અમદાવાદ શહેરમાં આશરે ૨૮૭.૫ મિલિયન ટન માલ પરિવહન થયું હતું, જેમાંથી ૭૨ ટકા પરિવહન સડક માર્ગે થાય છે.

સિટી લોજિસ્ટિક પ્લાનમાં શું બનશે?

•1-મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક
•5-અર્બન લોજિસ્ટિક કન્સોલિડેશન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર
•14-માઇક્રો ડિલિવરી હબ
•13-લોજિસ્ટિક પાર્કિંગ એરિયા
•18-વેર હાઉસ
•29-કોલ્ડ સ્ટોરેજ