દિવાળીમાં AMCએ કાઢ્યું બુદ્ધિનું દેવાળુ, ટ્રાફિકથી ધમધમતા આ ત્રણ બ્રિજનું તહેવારોમાં શરુ કર્યું સમારકામ
AMC Started Bridge Repairs On Diwali : અમદાવાદ શહેરમાં વર્ષ દરમિયાન રોડ-રસ્તા, ગટર સહિતના નાના-મોટા કામો સતત ચાલુ જ જોવા મળે છે. આડે દિવસે થતાં કામકાજથી લોકોને સતત હાલાકી પડતી હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના એક નિર્ણયથી લોકોને ભારે હાલાકી પડશે તે નક્કી છે. કેમ કે AMC દ્વારા દિવાળીના તહેવાર ટાણે શહેરના અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ અને રાણીપ ડી માર્ટ નજીકના પ્રબોધ રાવલ બ્રિજનું સમારકામ શરુ કર્યું છે. જેના કારણે આગામી 15થી 30 દિવસ સુધી સ્થાનિક લોકો માટે ભારે હાલાકીની સ્થિતિ ઊભી થઈ છે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે શું કહ્યું?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગનું કહેવું છે કે, અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં જાળીના સ્ટ્રક્ચરલ બીમ અને લોખંડની જાળી ખરાબ થઈ ગઈ છે. આ સાથે રાણીપ ડી માર્ટથી RTO સર્કલ તરફના પ્રબોધ રાવલ બ્રિજના એક્સપાન્સન જોઇન્ટ અને વેરીંગ કોટની સરફેસ ખરાબ થઈ જતાં તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. 15 દિવસ સુધી નિર્ણયનગર અંડરબ્રિજમાં જાળી બદલવાની કામગીરી ચાલી અને હવે અખબારનગર અંડરબ્રિજ અને પ્રબોધ રાવલ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : કાંકરિયા પાસે ચોરીની શંકાથી વૃદ્ધની હત્યા કરી લાશને દુકાનમાં પથ્થર નીચે લાશ સંતાડી
એક તરફના રસ્તા રહેશે કાર્યરત
બ્રિજના સમારકામની કામગીરી શરુ કરાઈ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે, જ્યારે બીજી તરફનો રસ્તો કાર્યરત છે. એટલે કે એક રોડ પર આવન-જાવન હોવાથી દિવાળીના તહેરાવોમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનશે.
આ પણ વાંચો : અમદાવાદ-દિલ્હીનું એરફેર પાંચ ગણું વધ્યું, દુબઈ કરતાં પણ દિલ્હી જવું મોંધું બન્યું!
સ્થાનિકોએ શું કહ્યું?
સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનવ્યવહાર વધુ જોવા મળતો હોય છે, તેવામાં દિવાળીના તહેવારમાં મોટાપાયે લોકોનું પરિવહન થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. બ્રિજની કામગીરી દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થામાં એક સાઇડથી લોકો અવર-જવર કરી રહ્યા છે, પરંતુ તંત્રએ તહેવાર પહેલા કે તહેવાર બાદ આ પ્રકારની કામગીરી શરુ કરવાની જરૂર હતી.