અમદાવાદ મનપામાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા, સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત મુખ્ય આરોપી
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ફિક્સ પે અંતર્ગત ભરતી થયેલા 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ તમામ કર્મચારીઓએ વર્ષ 2023-24 દરમિયાન ગેરરીતિ કરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી AMCની સેન્ટ્રલ ઑફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી બહાર આવતાં આ કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં કૌભાંડ મારફતે સરકારી નોકરી મેળવવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકે અને યોગ્ય ઉમેદવારને નોકરી મળે તેવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ઉમેદવારોના માર્ક્સ વધારી દેવાનો ઘટસ્ફોટ
મળતી માહિતી અનુસાર, પુલકિત સથવારાએ મે 2023થી ઑક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના માર્ક્સ વધારી આપ્યા હતા. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા અને નોકરી પણ મેળવી લીધી હતી. જોકે, હવે આ તમામે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં તપાસ હાથ ધરાઈ હતી
કૌભાંડ બહાર આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2021થી 2025 સુધીમાં લેવાયેલી તમામ ભરતી પ્રક્રિયાઓ અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને ત્રણ HOD કક્ષાના અધિકારીઓની કમિટીએ છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ કરી હતી.