તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની 102 દુકાનોને જર્જરિત થઈ ગઈ હોવાનું જણાવીને 24 કલાકમાં ખાલી કરી દેવાનો નોટિસ આપી દીધી છે. પરિણામે વેપારીઓની દિવાળી ટાણે હોળી થઈ ગઈ હોવાની નોબત આવી છે. મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની સહી સાથે 10મી ઓક્ટોબરે જ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત
24 કલાકમાં દુકાનો ખાલી કરવાની નોટિસ
ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે નિર્વાસિત તરીકે ભારત આવેલા લોકોને રોજી રોટી રળવા માટે આ જગ્યા આપવામાં આવી હતી. તેમને ગુજરાન ચલાવવા માટે લાયસન્સ ફીને ધોરણે આ જગ્યા આપી હતી. AMCની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, દુકાનો 75 વર્ષ જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે. આઠ ઓક્ટોબરે 8 જેટલી દુકાનો પડી ગઈ હતી. હવે વધુ દુર્ઘટના ન બને તે માટે અને જાનમાલની સલામતી માટે અન્ય દુકાનો બંધ કરાવવા નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના 24 કલાકમાં દુકાનો ખાલી કરી દેવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત
દિવાળી ટાણે વેપારીઓને ભારે નુકસાન
આ મુદ્દે શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું કહેવું છે કે, રેલ્વેની ભૂલને કારણે 8 દુકાનો પડી ગઈ છે. હવે બાકીની 102 દુકાનોને ચોવીસ કલાકમાં ખાલી કરી દેવાની નોટિસ આપી છે તે ગેરવાજબી છે. આ દુકાનો 99 વર્ષના ભાડાં પટ્ટા પર આપવામાં આવેલી છે. તેમ જ તમામ દુકાનદારો AMCના વેરા સહિતના તમામ બિલોની ચૂકવણી પણ કરતાં આવ્યા છે. તેમને આ રીતે ચોવીસ કલાકમાં ખાલી કરી દેવાની નોટિસ આપવી ઉચિત નથી. એકાએક ધંધો બંધ થઈ જાય તો તેમને માટે ગુજરાન ચલાવવું કઠિન બની જાય તેમ છે. દિવાળીના તહેવારોમાં તેમના જીવનમાં સરકારે હોળી ન સળગાવવી જોઈએ.