ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત

લોકોના જીવ જોખમમાં મુકતા ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી
પ્રાંત અધિકારીએ દુકાન-ગોડાઉન સીલ મારતા ગેરકાયદે સ્ટોલ ટપોટપ બંધ થવા લાગ્યા
સુરેન્દ્રનગર - ગધ્રા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તવાઈ બોલાવી છે. દરોડા દરમિયાન ત્રણ ગેરકાયદે સ્ટોલમાંથી કુલ રૃ.૨૦ લાખના ફટાકડા જપ્ત કરાવામાં આવ્યા હતા.
રાજ્યમાં દિવાળીની સીઝન નજીક આવતા ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઊભા કરી કોઈ પણ જાતનો સેફ્ટી રાખ્યા વગર ફટાકડાના વેચાણ થયા નજરે પડે છે. જેના કારણે અમુકવાર ગંભીર દુર્ઘટના સર્જાતી હોય છે.
આવી કોઈ દુર્ઘટના ન સર્જાય માટે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ગેરકાયદે ચાલતા ફટાકડા સ્ટોલધારકો સામે કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારી, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતની ટીમે શહેરના વિવિધ ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરી હતી. જેમાં ૩ ગેરકાયદે ફટાકડા સ્ટોલ મળી આવતા ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત એક દુકાન અને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ઘરને સીલ કરવામાં આવ્યું હતું. તંત્રની કાર્યવાહીથી ગેરકાયદે ફટાકડાના સ્ટોલ બંધ થવા લાગ્યા છે.