Ambaji temple Puja controversy: અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો કે આસો નવરાત્રિની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર (Privilege) રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે. જેની સામે છેલ્લા 1100 વર્ષોથી રાજવી પરિવાર અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને આરતી કરતો આવ્યો છે. જેથી ત્યાંના મોટાભાગના સ્થાનિકો પણ ઇચ્છી રહ્યા છે કે આ પરંપરા જળવાઈ રહે.
પૂજાનો અધિકાર પુનઃ સ્થાપિત થાય તેવી માંગ
હાઈકોર્ટના આદેશ બાદ આજે આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી તેમજ દાંતામાં બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા. લોકોનું કહેવું છે કે સદીઓ જૂની આસ્થા સાથે ચેડા કરવા યોગ્ય નથી, રેલી બાદ રાજવી પરિવાર અને હાજર અનેક સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂજાનો અધિકાર પુનઃ સ્થાપિત ફરી થયા તેવી માંગ કરી છે. રાજવી પરિવારે કહ્યું છે હાઈકોર્ટના આ નિર્ણય ખોટો છે, અમે સરકારને રજૂઆત કરીશું કે આક્રોશ વધે તે પહેલા ઝડપથી નિર્ણય લેવામાં આવે, તો બીજી તરફ કરણી સેનાએ પણ રાજવી પરિવારને ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ તો ફક્ત ટ્રેલર છે, વહેલીતકે નિર્ણય નહીં આવે તો આંદોલન કરીશું
શું હતો સમગ્ર વિવાદ?
બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.
આ મામલે સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે:
લોકશાહીમાં વિશેષાધિકાર નહીં: રાજાશાહીના સમયના હકો હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી ધોરણે ચાલુ રાખી શકાય નહીં.
જાહેર ટ્રસ્ટનો નિયમ: અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે.
ભક્તો માટે સમાનતા: પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે.
આ નિર્ણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે. જો કે રાજવી પરિવાર અને સ્થાનિકોના વિરોધને જોતાં હવે સરકાર આ અંગે કોઈ નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.


