Get The App

નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ 1 - image


New Year Temples Crowd: વર્ષ 2025ના અંતની ઘડીઓ વાગી રહી છે. 2026ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવામાં હજુ તો પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે ઉજ્જૈન, વૈષ્ણોદેવી અને બાંકે બિહારી મંદિર સહિતના યાત્રાધામોમાં મોટા નિર્ણય લેવાયા છે. 

કાશી વિશ્વનાથ

વારાણસીના કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, મથુરાના બાંકે બિહારી મંદિરમાં આજથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી VIP દર્શન પર રોક લગાવવામાં આવી છે. ગર્ભગૃહ માત્ર પૂજારીઓને જ પ્રવેશ આપવામાં આવશે. 

તિરુપતિ બાલાજી

આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં 30 ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી જેમણે ઍડ્વાન્સ બુકિંગ કરાવ્યું હોય તેમને જ દર્શન કરવા મળશે. જેટલા ટોકન આપવાના હતા તે અપાઈ ગયા છે અને કાઉન્ટર પણ બંધ કરી દેવાયા છે. 

અયોધ્યા

અયોધ્યામાં મોટા ભાગની હોટલ અને ધર્મશાળાઓનું બુકિંગ થઈ ગયું છે. પહેલી જાન્યુઆરી સુધીના તમામ ટોકન (પાસ) વેચાઈ ગયા છે. 

નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ 2 - image

શિરડી 

મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં 31 ડિસેમ્બરે આખી રાતે ભક્તો બાબાના દર્શન કરી શકશે. બાબાના દર્શન માટે એક સોનાની બારી રાખવામાં આવી છે. જ્યાંથી ભક્તો બાબાના મુખ દર્શન કરી શકશે. 

વૈષ્ણોદેવી 

વૈષ્ણોદેવી મંદિરમાં 31 ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ RFID કાર્ડ હોય તેવા ભક્તોને જ દર્શનની અનુમતિ રહેશે. કાર્ડ મળે તેના 10 કલાકમાં યાત્રા શરુ કરવી પડશે અને 24 કલાકની અંદર પાછા નીચે આવી જવું પડશે. 

મથુરા 

મથુરાના બાંકે બિહારી મંદિરે એડવાઇઝરી જાહેર કરી ભક્તોને 5 જાન્યુઆરી સુધી વૃંદાવન ન આવવા અપીલ કરી છે. મંદિરે કહ્યું છે કે ભારે ભીડની શક્યતાને જોતાં હોય તો 5 જાન્યુઆરી સુધી વૃંદાવનની યાત્રા ન કરશો.