ભાદરવી પૂનમ મહામેળો 2025: પદયાત્રી સંઘો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે
Ambaji Bhadarvi Poonam Mela : ભાદરવી પૂનમ મહામેળાને લઈને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે એક અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલી આ સિસ્ટમથી પદયાત્રી સંઘો ઘરે બેઠા વિનામૂલ્યે પોતાની નોંધણી કરાવી શકશે.
ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોંધણી પ્રક્રિયા અંબાજી મંદિરની સત્તાવાર વેબસાઇટ https://ambajitemple.in/bhadarvi-poonam પરથી કરી શકાશે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નોંધણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે.
આ પણ વાંચો: અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં 18 કિલો ચાંદીના થાળુંની ચોરી, ભક્તોમાં રોષ
પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ પદયાત્રી સંઘોની વિગતોની ચકાસણી પ્રાંત અધિકારી, દાંતાની કચેરી દ્વારા કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ સંઘોને મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઇન જ આપવામાં આવશે.
અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે પદયાત્રી સંઘો માટે કોમર્શિયલ અને પ્રાયવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે તમામ પદયાત્રી સંઘોને આ સુવિધાનો લાભ લેવા અને પોર્ટલ પર પોતાના સંઘની નોંધણી કરાવવા અપીલ કરી છે.