મા અંબાજીના ચરણોમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યાં, મહામેળામાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની
Ambaji Bhadarvi Poonam: શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઉજવાય રહ્યો છે. જેમાં દુરદુરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહામેળાના ત્રીજા દિવસે (ત્રીજી સપ્ટેમ્બર) 7.70 લાખ લોકોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા. જ્યારે મહામેળાના ત્રણ દિવસ દરમિયાન આશરે 14.99 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે..જય..જય..અંબેના નારાથી ગુંજી ઉઠતાં ભક્તિનો માહોલ છવાયો છે.
યાત્રાધામ તરફના માર્ગો પર પગપાળા સંઘોનો ધસારો
ગુજરાતમાં એક માત્ર સુવર્ણ મંદિર એવા આરાસુરના અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમનો સાત દિવસીય મહામેળો જોતજોતામાં મધ્યાતરે પહોંચ્યો છે. પહેલી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાના પહેલા દિવસથી જ અંબાજી તરફ આવતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા સહીત ઉત્તર ગુજરાતના તમામ રસ્તાઓ ઉપર દૂરદૂરથી નીકળેલા પગપાળા સંઘો અને પદયાત્રીઓ જયાં નજર કરો ત્યાં ઉત્સાહપૂર્વક ચાલતા જોવા મળી રહ્યા છે. આ વર્ષે વિશ્વ વિખ્યાત ભાદરવીનો મીની કુંભ યોજાઈ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ અંબાજીમાં ઉમટી રહ્યો છે. લોકો પોતાની માનતા આખડીઓ પુરી કરવા પદયાત્રા કરવા તેમજ સંઘો મા અંબાને નવરાત્રિમાં પધારવા આંમત્રણ પાઠવવા ઉમટી રહ્યા છે. ત્યારે આરાસુર ધામમાં શ્રદ્ધાળુઓનો મહા સાગર ઉમટી રહ્યો હોવાથી મહામેળાના ત્રણ દિવસના સમયગાળામાં અત્યારસુધીમાં કુલ 14.99 લાખ માઈભક્તોએ માતાજીના ચરણે નતમસ્તક ઝુકાવી દર્શનો લહાવો લીધો છે.
ભાદરવી પૂનમ મેળામાં અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી
વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા કે મોટરમાર્ગે પહોંચતા લાખો માઈભક્તોની સુરક્ષા અને સલામતી તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્ત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનીટરીંગ થાય છે.
અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટીંગ કેમેરા 12, એઆઈ કેમેરા 12, સોલાર બેઝ એએલ કેમેરા 20, બોડી વોર્ન કેમેરા 90, પોલીસ વ્હીકલ માઉટીંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ જીપીવાયવીબી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપી મેળામાં કોઈપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃતિ પર બાઝ નજર રાખી તેને ડામી શકાય છે.
મેળામાં રોજ 28 લાખ લીટર પાણી આપવાની કરાઈ વ્યવસ્થા
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 28 લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી ઈપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે. તથા 10 લાખ લિટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઈપલાઈન મારફત પૂરું પાડવામાં આવે છે. જેમાં અંબાજીથી દાતા રોડ પર 25 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે.
અંબાજીમાં ભાદરવીના મેળામાં પદયાત્રીઓની સાથે મેઘરાજાનું આગમન
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસના સાંજના સમયે મેઘરાજાએ પધરામણી કરી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના લીધે મા અંબેના દર્શનાર્થે પહોંચેલા લાખો માઈભક્તોમાં રાહત જોવા મળી હતી. યાત્રાધામ અંબાજીમાં ત્રણચાર દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા બાદ બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) સાંજના સમયે તે જ પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. માર્ગો ઉપર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી હતી.