Get The App

અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: 30 જાન્યુઆરીથી '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો પ્રારંભ, જાણો 3 દિવસના કાર્યક્રમો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: 30 જાન્યુઆરીથી '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો પ્રારંભ, જાણો 3 દિવસના કાર્યક્રમો 1 - image


Image: Ambaji Temple

Ambaji 51 Shaktipeeth Parikrama Mahotsav 2026: શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખો માઈભક્તોના સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો દિવ્ય લ્હાવો

આ 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ નિર્મિત છે. ₹62 કરોડના ખર્ચે બનેલા આ માર્ગ પર માઈભક્તો પદયાત્રા અને પરિક્રમાના સંગમથી ધન્યતા અનુભવશે.

અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: 30 જાન્યુઆરીથી '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નો પ્રારંભ, જાણો 3 દિવસના કાર્યક્રમો 2 - image

ત્રણ દિવસીય મહોત્સવની રૂપરેખા

30 જાન્યુઆરી 2026: સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે શુભારંભ. સાધુ-સંતોના આશીર્વચન અને આનંદ ગરબાનો કાર્યક્રમ.

31 જાન્યુઆરી 2026: ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા. શક્તિપીઠ સંકુલોમાં પવિત્ર 'શક્તિ યાગ' (યજ્ઞ) અને પરિક્રમા સ્પર્ધા યોજાશે.

01 ફેબ્રુઆરી 2026: જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન.

આ પણ વાંચો: ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ, વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે

યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માઈભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

વિનામૂલ્યે ભોજન: અંબિકા ભોજનાલય, GMDC, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે ભોજનની સુવિધા.

દિવ્ય શણગાર: સમગ્ર ગબ્બર પર્વત અને પરિક્રમા પથને આકર્ષક લાઈટિંગ અને ઇલ્યુમિનેશનથી ઝળહળતો કરવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો: આદિવાસી નૃત્ય, ઢોલ-નગારા અને લોક કલાકારો દ્વારા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવશે.

ઐતિહાસિક સંદર્ભ: વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, જેનું લોકાર્પણ 2014માં કરવામાં આવ્યું હતું. આજે આ સ્થાન વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.