Girnar Ropeway Service: જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે બુધવાર(28 જાન્યુઆરી) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે.
ભારે પવન ફૂંકાતા ગિરનાર રોપ-વે સેવા બંધ કરાઈ
વાતાવરણમાં પલટો અને ડુંગર પર ફૂંકાતા ભારે પવનની સ્થિતિમાં રોપ-વેનું સંચાલન જોખમી બની શકે તેમ છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટી તંત્રના સમર્થનથી રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વેના સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, પવનની ગતિમાં ઘટાડો થયા બાદ અને વાતાવરણ સામાન્ય બન્યા પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
રોપ-વે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડશે. કેટલાક યાત્રિકો રોપ-વે ટિકિટ બારીએ પહોંચ્યા બાદ સેવા બંધ હોવાની જાણકારી મળતાં પરત ફર્યા હતા. આમ, ભારે પવનની સ્થિતિને લઈને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રોપ-વે સેવા હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


