વડોદરામાં મતદારોની મોટાપાયે હેરાફેરીનો આરોપ, મતદાર યાદી તાત્કાલિક સુધારણાની કોંગ્રેસની માગ
Baroda News : આગામી પાલિકા અને વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે વડોદરાની મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓ હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસે કર્યો છે. આ મામલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક સુધારણા અને ફોટો સાથેની નવી મતદાર યાદી જાહેર કરવાની માગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, મતદાર યાદીની ચકાસણી દરમિયાન અનેક છબરડા સામે આવ્યા છે, જેમાં એક જ વ્યક્તિનું નામ બે અલગ-અલગ વોર્ડમાં જોવા મળે છે.
શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુંએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને કયા વોર્ડમાં કયો વિસ્તાર આવે છે તેની સ્પષ્ટ જાણકારી હોવી જરૂરી છે. પરંતુ વર્તમાન યાદીમાં અનેક ભૂલો હોવાથી ઉમેદવારોને મુશ્કેલી પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ત્રિમાસિક સંક્ષિપ્ત સુધારા યાદીની ઝુંબેશ ચલાવવી જોઈએ, પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
જાણીજોઈને સીમા બદલીને સ્થાનિકોને અન્ય વોર્ડમાં ફેરવ્યા
લેટરમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત રામચરણ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, 'વોર્ડ નંબર 16માં આવેલા ભાથુજીનગરમાંથી 400-500 મતદારોને હટાવીને વોર્ડ નંબર 15માં નાખી દેવામાં આવ્યા હતા. જેથી અમારા બે ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. જાણીજોઈને સીમા બદલીને વોર્ડ નંબર 16 માંથી 15માં નાગરિકોને લઈ જવાયા હતા. એટલે હવે તમામ મતદારોની યાદીની ચકાસણી થવી જોઈએ.'
આ આવેદનપત્રમાં કોંગ્રેસે અન્ય પણ કેટલીક મહત્વની માગણીઓ કરી છે, જેમાં:
એનઆરઆઇ અને પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના સ્થળાંતરિત મતદારોના નામ અને સરનામા સુધારવા.
18 વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારો માટે ઝુંબેશ ચલાવીને તેમના નામ યાદીમાં ઉમેરવા.
ફોટો સાથેની મતદાર યાદી વહેલી તકે જાહેર કરવી.
આ પણ વાંચો: થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે મામલે ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અગાઉ પણ આ મુદ્દે મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ માગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપીને મતદાર યાદીને પારદર્શક અને ભૂલરહિત બનાવવામાં આવે તેવી કોંગ્રેસે ભારપૂર્વક માગણી કરી છે.