VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી
Ahmedabad News : ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈ ડેમમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે સાબરમતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં નદીમાં પાણીના સ્તરમાં વધરો થતાં ધોળકા તાલુકાના ગામોને અસર કરી શકે છે. તેવામાં ધોળકાના સરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી વધી શકે છે, ત્યારે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્રની કાર્યવાહી
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીના કિનારે આવેલા ધોળકા તાલુકાના 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સરોડા ગામ પાસેથી પસાર થતાં નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસે ચેકપોસ્ટ ઊભી કરી છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ દ્વારા લોકોને પુલ અને નદી કિનારાથી દૂર રહેવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત ગામો
ધોળકા તાલુકાના જે ગામોને સાબરમતી નદીના વધેલા જળસ્તરને કારણે અસર થવાની સંભાવના છે, ત્યારે સરોડા, ચંડીસર, કોદાળીયાપુરા, આંબલીયારા, સાથળ, સહિજ, રામપુર, વૌઠા, અંધારી, વિરપુર, ગીરદ, વિરડી, પીસાવાડા, વટામણ રામપુર, આનંદપુરા, લોલીયા સમાણી ભોળાદ નાની બોરું અને મોટીબોરું સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ
આ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે કોઈપણ પ્રવૃત્તિ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ લોકોને મદદ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રએ લોકોને સૂચનાઓનું પાલન કરવા સહિત કોઈપણ અફવાઓથી દૂર રહેવા સૂચન કર્યું છે.