BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે રાત્રિથી જ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નદીઓમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોમાં ઍલર્ટ આપવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સુઈગામમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 8.27 ઈંચ વરસાદ ખાબક્યો છે. એવામાં આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં રાત સુધી ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી ( 7 સપ્ટેમ્બર, 2025; રાત્રિ 10 વાગ્યા સુધી )
રેડ ઍલર્ટ: કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા
આ સિવાયના ગુજરાતનાં તમામ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં 16 કલાકે યુવકનું રેસ્ક્યૂ
ગુજરાતમાં અવિરત વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે બનાસકાંઠામાં એક યુવક બનાસ નદીમાં ફસાઈ ગયો હતો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ યુવક 16 કલાક સુધી મોત સામે લડતો રહ્યો. જે બાદ SDRFની ટીમે તેને રેસ્ક્યૂ કરી બચાવ્યો હતો. બીજી તરફ ઉદયપુરમાં આવી જ ઘટના થઈ હતી. એક યુવક 7 કલાક સુધી આયડ નદીના પ્રવાહમાં ફસાયેલો રહ્યો, જે બાદ આર્મીના જવાનોએ તેને બચાવ્યો હતો.
અમદાવાદમાં સાબરમતી નદી ગાંડીતૂર
ધરોઇ ડેમ અને સંત સરોવરથી પાણી છોડાતાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે બાદ પોલીસ દ્વારા સતત માઈકથી લોકોને પાળીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.