Kutch News : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી હતી, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થયું હતું. જો કે, ફરીથી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે.
ગુજરાતના કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઍલર્ટ જાહેર કરીને તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે. તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા અને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
જમ્મી કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેમાં ગુરુવારે (8 મે, 2025) મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે 10 મેના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ અંગે જાણકારી આપી હતી.


