ભુજ એરપોર્ટ પર ફ્લાઇટ ચૂકી ગયેલા 15 મુસાફરોનો હોબાળો, સમયસર ન પહોંચ્યા હોવાનો એર ઈન્ડિયાનો દાવો
File Photo: Image: IANS |
Bhuj Air India: જ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટના 15 જેટલા મુસાફરો ફ્લાઈટ ચૂકી ગયા હતા, જેથી મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું. જ્યારે એર ઈન્ડિયાનો દાવો છે કે મુસાફરો સમયસર પહોંચ્યા નહોતા.
શું હતી સમગ્ર ઘટના?
શનિવારે (12 જુલાઈ) ભુજ એરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મુસાફરો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. મુસાફરોનો દાવો હતો કે, ભુજથી મુંબઈ જતી ફ્લાઇટ તેમને લીધા વિના જ ઉપડી ગઈ. તેમણે જણાવ્યું કે, તેમણે પોતાની ટિકિટો એડવાન્સમાં બુક કરાવી હતી અને ફ્લાઇટના નિર્ધારિત સમય પહેલાં જ એરપોર્ટ પર હાજર હતા. તેમ છતાં, જ્યારે તેઓ બોર્ડિંગ માટે ગયા ત્યારે ક્રૂ દ્વારા ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું કારણ આપીને તેમને રોકી દેવામાં આવ્યા. મુસાફરોનો આક્ષેપ છે કે આટલી મોટી બેદરકારી બાદ પણ એર ઈન્ડિયા દ્વારા તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી.
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી સામે મુસાફરોનો રોષ
વાયરલ થયેલા વીડિયોમાં એક મુસાફર એર ઈન્ડિયાના મહિલા અધિકારી સાથે વાત કરતા જોવા મળે છે. મુસાફર ઉગ્ર સ્વરમાં કહે છે કે, "મારા દીકરાની દોઢ વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી. ફ્લાઇટ અમને મૂકીને જતી રહી અને તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી." તેના જવાબમાં મહિલા ક્રૂ મેમ્બર કહે છે કે, "અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું, પરંતુ હાલ કોઈ ફ્લાઇટ નથી એટલે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે." આ સાંભળતા જ ત્યાં હાજર અન્ય મુસાફરો પણ ભારે રોષ વ્યક્ત કરે છે અને એર ઈન્ડિયાની આ ગંભીર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે.
એર ઈન્ડિયાની સ્પષ્ટતા અને ત્યારબાદની કાર્યવાહી
શરૂઆતમાં, જ્યારે મુસાફરો દ્વારા રિફંડની માંગણી કરવામાં આવી, ત્યારે એર ઈન્ડિયા તરફથી ગોળ-ગોળ જવાબો મળ્યા હોવાના પણ આરોપ લાગ્યા હતા. જોકે, આ મામલો મીડિયા અને સોશિયલ મીડિયા પર ગાજ્યા બાદ એર ઈન્ડિયા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે.
એર ઈન્ડિયાએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે, "મુસાફરોએ ફ્લાઇટના સમયની એક કલાક પહેલાં એરપોર્ટ પહોંચીને બોર્ડિંગ પાસ લેવાનો હોય છે. પરંતુ, આ મુસાફરો અડધો કલાક પહેલાં જ આવ્યા હતા. તેઓ મોડા પડ્યા હોવાના કારણે એરપોર્ટ નિયમ મુજબ કાઉન્ટર બંધ થઈ ગયું હતું અને તેથી તેમને વિમાનમાં બેસવા નહોતા દેવાયા."
જોકે, મુસાફરોના ઉગ્ર વિરોધ અને દબાણ બાદ એર ઈન્ડિયાએ મામલો થાળે પાડવા માટે પગલાં ભર્યા હતા. કંપનીએ પોતાના ખર્ચે 8 મુસાફરોને ટેક્સી દ્વારા અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. આ સિવાય, અન્ય મુસાફરોની ટિકિટો રીશેડ્યુલ કરી દેવામાં આવી હતી.