મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર્યો જવાબ
Surat : ગુજરાતના વડોદરા ખાતે બ્રિજ દુર્ઘટનામા હજી મૃતદેહ શોધવાની કામગીરી ચાલે છે તેમ છતાં સરકારી અધિકારીઓની નફ્ફટાઈ ઓછી થઈ નથી. સુરતમાં સૌથી જોખમી ગણાતા ઓ.એન.જી.સી. બ્રિજ પર ત્રણ જહાજ ટકરાઈ ચુક્યા છે અને બ્રિજ પરથી પસાર થતા લોકો ડરી રહ્યાં છે. આ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે સુરતના સાંસદે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ બ્રિજ સુરત પાલિકાની હદમાં આવતા હોય સુરતના મેયરે એન.એચ.આઈ.ના અધિકારી ને બ્રિજની સ્થિતિ અંગે વાકેફ કરવા તથા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે જાણ કરી તો અધિકારીએ નફ્ફટાઈ પુર્વક કહ્યું તમારે જે પ્રશ્ન હોય કે જે જાણકારી જોઈતી હોય તો મને મેલ કરી દેજો તપાસ કરાવી દઈશું.
વડોદરા-પાદરાના બ્રિજ તૂટી પડવા પહેલાં આ બ્રિજનું રીપેરીંગ થયું હતું અને અધિકારીઓએ 100 વર્ષ બ્રિજ ચાલે તેવી બડાઈ હાંક હતી તેમ છતાં દુર્ઘટના થઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ પણ અધિકારીઓની તુમાખી હજી ઓછી થઈ ન હોય તેવો બનાવ સુરતમાં બન્યો છે. સુરતમાં તાપી નદી અને દરિયાનું મિલન થાય છે ત્યાં ઓ.એન.જી.સી. બ્રિજ આવ્યો છે. આ બ્રિજ સાથે ભુતકાળમાં ત્રણ વખત મોટા જહાજો અથડાયા છે. આ ઉપરાંત આ બ્રિજ પરથી હજારાના ઉદ્યોગના હજારો ભારેખમ વાહનો પસાર થાય છે અને તે સમયે બ્રિજ ધ્રુજે છે અને તેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ છે.
પાદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે પણ આ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું. ઓ.એન.જી.સી. બ્રિજ બાબતે રજૂઆત કરી છે. ભૂતકાળમાં ત્રણેક જહાજ અથડાયા હતા સ્પાનને નુકસાન થયું હોવાની સંભાવના છે. તેથી સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કોઈ નિષ્ણાત એજન્સીને સોંપી કઢાવી લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યની કોઈ જાનહાની ટાળી શકાય તેમ છે. આ બ્રિજ પરથી હજીરાની ઈન્ડ્સ્ટ્રીઝમાંથી ભારે વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. ભવિષ્યની દુર્ઘટનાને ટાળવા માટે સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કાઢવો જોઈએ.
આ ઉપરાંત આ બ્રિજ જોખમી વાહનોની અનેક રજૂઆત સુરતના મેયરને પણ મળી હતી. તેથી ભવિષ્યમાં પાદરા બ્રિજ જેવી દુર્ઘટના ન થાય તે માટે તેઓએ એન.એચ.આઈ.ના અધિકારીને ફોન કર્યો હતો અને આ બ્રિજની સ્ટેલીબીટી અને કામગીરીની માહિતી માંગી હતી. જોકે, આ અધિકારીએ મેયર દક્ષેશ માવાણીને પણ એવું કહી દીધું હતું કે, આ બ્રિજની ચકાસણી વર્ષમાં બે વાર થાય છે અને જાન્યુઆરીમાં પણ ચકાસણી થઈ ગઈ છે બ્રિજ સલામત છે. જો તમારે કોઈ ફરિયાદ હોય કે અન્ય કોઈ તપાસ કરાવવી હોય તો મેલ કરી દો તે પ્રમાણે કામગીરી કરીશું.
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણીની વાત કરી છે ત્યારે એન.એચ.આઈ.ના અધિકારીએ મેયરને આપેલો જવાબ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.