Get The App

રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો 'સ્માર્ટ' પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો 'સ્માર્ટ' પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે 1 - image


AI Tech to Track Stray Cows in Ahmedabad: અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોને રોકવા માટે સરકાર હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લેવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત ‘AI સેન્ટર ઓફ એક્સલન્સ’ દ્વારા એક એવું અત્યાધુનિક ડીપ લર્નિંગ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે સીસીટીવી ફૂટેજની મદદથી ભીડમાં પણ ગાયની ઓળખ કરી તેના માલિકનું નામ જાહેર કરી દેશે.

ગાયના 'નોઝ પ્રિન્ટ' બનશે ઓળખનું હથિયાર

આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી એજન્સીએ અત્યંત રસપ્રદ ટેકનોલોજી સૂચવી છે. જે રીતે મનુષ્યોમાં ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેમ દરેક ગાયના નાકની ડિઝાઇન (Nose Print) પણ અલગ હોય છે. AI મોડલ ગાયના નાક, આંખો અને ચહેરા પરના નિશાનને સ્કેન કરશે. રસ્તા પર રખડતી ગાયોના ફોટા સીસીટીવી દ્વારા લેવામાં આવશે અને AI તેને કોર્પોરેશનના ડેટાબેઝ સાથે મેચ કરશે. આ ટેકનોલોજી દ્વારા પળવારમાં જાણી શકાશે કે ગાય કોની છે, જેથી માલિક સામે તાત્કાલિક દંડકીય કાર્યવાહી કરી શકાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર 3 વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

મેન્યુઅલ પ્રક્રિયામાંથી મુક્તિ

અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ RFID ટેગ અને માઇક્રોચીપના આધારે ગાયની ઓળખ કરતી હતી. પરંતુ આ પ્રક્રિયામાં કર્મચારીઓએ ગાયની નજીક જવું પડતું હતું, જે સમય માંગી લેતું અને જોખમી હતું. નવું AI મોડલ 126 સ્માર્ટ કેમેરા સાથે કનેક્ટ થઈને ઓટોમેટિક કામ કરશે.

પ્રોજેક્ટની મહત્ત્વની વિગતો

અમદાવાદમાં હાલ 1.10 લાખ ગાયોમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ અને માઇક્રોચીપ લાગેલી છે, જેનો ડેટા આ AI મોડલ સાથે જોડવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટ પાયલટ ધોરણે શરૂ કરાયો છે. એજન્સી ટૂંક સમયમાં સ્ટેયરિંગ કમિટી સમક્ષ આ મોડલ રજૂ કરશે. ટ્રાફિકની સમસ્યા હલ કરવી, અકસ્માતો અટકાવવા અને જાહેર સુરક્ષામાં વધારો કરવો.

ગિફ્ટ સિટી સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સના આ પ્રયાસથી અમદાવાદ દેશનું એવું પ્રથમ શહેર બની શકે છે જે પશુ નિયંત્રણ માટે ‘ફેશિયલ રેકગ્નિશન’ જેવી હાઈટેક સિસ્ટમનો ઉપયોગ કરશે. આ મોડેલ સફળ રહ્યા બાદ તેને રાજ્યના અન્ય મહાનગરોમાં પણ લાગુ કરવામાં આવશે.