AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું
World Alzheimer Day: એક જાણીતી ગુજરાતી કહેવત છે કે, 'સાઠે બુદ્ધિ નાઠી' કોઇપણ વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધ થતાં જ જરૂરી કામ ભૂલવા લાગે અને તે યાદ નહીં આવવા પર ગુસ્સે થાય તો તેના માટેની આ સદીઓ પુરાણી કહેવત છે. રોજબરોજની ચીજવસ્તુ, ઘરની જ વ્યક્તિના નામ-ઘરનું જ સરનામું અચાનક જ યાદ ના આવે તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવું ભૂલભર્યું છે. કારણ કે, તે અલ્ઝાઈમરના લક્ષણો હોઈ શકે છે.
ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર, રોજિંદી ચીજવસ્તુ યાદ રહેવામાં સમસ્યા નડતી હોય તો ચેતવા જેવું
દર વર્ષે 21મી સપ્ટેમ્બરની ઉજવણી અલ્ઝાઈમર ડે (World Alzheimer Day) તરીકે કરવામાં આવે છે. અલ્ઝાઈમર એ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેની શરૂઆત નાની વસ્તુ ભૂલવાથી થાય છે. સ્ટ્રેસફૂલ જીવન જીવનારા, હાઈ બીપી-ખૂબ જ ડાયાબિટિસ ધરાવનારા તેમજ પરિવારમાં હિસ્ટ્રી હોય તેમને અલ્ઝાઈમર થઈ શકે છે. આપણા રોજિંદા જીવનમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ડિજિટલ ટુલ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે ખૂબજ સરળ કામગીરી માટે પણ ટેક્નોલોજી ઉપરની નિર્ભરતા સામે ડૉક્ટરો ચેતવણી આપી રહ્યા છે. ડૉક્ટરોના મતે આ ટુલ્સ કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે, ત્યારે તેનો વધુ પડતો ઉપયોગ મગજની કુદરતી પ્રવૃત્તિઓ અને કલ્પનાશક્તિને મર્યાદિત કરે છે.
ડૉક્ટરો એમ પણ ઉમેરે છે કે અગાઉ લોકો રૂટ, ફોન નંબર અથવા કોઈપણ કામ યાદ રાખતા હતાં. આ આદતોથી મગજ સક્રિય રહેતું હતું. આજે, નેવિગેશન એપ, રિમાઇન્ડર્સ અને ડિજિટલ લિસ્ટે સ્વાભાવિક યાદશક્તિનું સ્થાન લઈ લીધું છે, જેના પરિણામે માનસિક કસરતનું પ્રમાણ ઘટ્યું છે. જે વસ્તુ આપણી યાદશક્તિમાં વધારો કરતી હતી, તે હવે ડિવાઇસ દ્વારા થઇ રહી છે. અલ્ઝાઈમરની સમસ્યા સામાન્ય રીતે 60થી વધુ વયની વ્યક્તિમાં જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેમાં ટ્રેન્ડ બદલાયો છે અને હવે 50ની વયની આસપાસની વ્યક્તિમાં પણ અલ્ઝાઈમરના લક્ષણો જાવા મળી રહ્યા છે. અલ્ઝાઈમરના આ પ્રકારના પ્રારંભિક લક્ષણો જોવા મળે ત્યારે જ સારવાર કરવામાં આવે તો અલ્ઝાઈમર વધુ હાવી થતાં અટકી શકે છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ સામે પણ સંકટ, H1-B વિઝા પોલિસી કેવી રીતે અવરોધ બનશે?
વૃદ્ધાવસ્થામાં ભૂલવાની સમસ્યા તો રહે એમ વિચારીને ઘણાં લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે પણ તે યોગ્ય નથી. સામાન્ય લક્ષણમાં પણ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષ 2050 સુધીમાં પાંચમાંથી એક સિનિયર સિટિઝનને અલ્ઝાઈમરની ઓછાવત્તે અંશે સમસ્યા હોઈ શકે છે. 'ધ જર્નલ ઓફ અલ્ઝાઇમર’ એસોસિએશનના વર્ષ 2022ના અભ્યાસ અનુસાર 60 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં અલ્ઝાઈમરનું પ્રમાણ 7.4 ટકા છે. વર્ષ 2036 સુધીમાં આ પ્રમાણ હજુ વધી શકે છે. ગુજરાતમાં વર્ષ 2036 સુધીમાં ડિમેન્શિયાની સમસ્યા 6.17 લાખ લોકોને હોવાનો અંદાજ છે.
અલ્ઝાઈમરનું જોખમ કઇ રીતે ઘટાડી શકાય?
•40 વર્ષની ઉંમર બાદ માનસિક અને શારીરિક સક્રિયતા મહત્ત્વપૂર્ણ છે.
•નવી ભાષા શીખવી, શોખ પૂરો કરવો, કોયડા ઉકેલવા, ફિઝિકલ ગેમ રમવા જેવા કાર્યોથી મગજની સ્થિતિસ્થાપકતામાં સુધારો થઈ શકે છે.
•બેઠાડુ જીવનથી દૂર રહીને ફિઝિકલ ફિટનેસથી માનસિક સ્વાસ્થ્યને ટેકો મળી રહે છે.
•ફ્રૂટ્સ-શાકભાજી-કઠોળ જેવા પૌષ્ટિક ખોરાક વઘુ લેવા.
•દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લો.
•સામાન્ય કામગીરી માટે ડિવાઇસ ઉપરની નિર્ભરતા ઘટાડવી, મગજને પ્રેરિત કરતી કામગીરી કરવી અને વૃદ્ધોને વ્યસ્ત રહેવામાં મદદ કરવાથી મગજના સ્વાસ્થ્યને સપોર્ટ મળી રહે છે.
અલ્ઝાઇમરના લક્ષણો શું હોય છે?
•કોઈ વ્યક્તિને ફોન કર્યા બાદ કયા કામથી ફોન કર્યો હતો તે યાદ નહીં આવવું.
•સામાન્ય શબ્દ જેમ કે મોબાઈલ-પેન-ટીવી જેવા રોજબરોજના શબ્દો પણ માંડ યાદ આવવા.
•સામે વાળી વ્યક્તિ જાણીતી હોવા છતાં ઓળખવામાં વાર થવી.
•નામ યાદ આવવામાં સમસ્યા.
•ખોરાક લીધો હતો કે કેમ, રોજબરોજનો રસ્તો યાદ નહીં આવવું.
•ખરીદી કરવા ગયા હોવ તો શું ખરીદી કરવા નીકળ્યા હતો તે જ યાદ નહીં આવવું, ચલણી નોટ ગણતા-ગણતા અચાનક જ તેનો ક્રમ ભૂલી જવો.