Get The App

ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ સામે પણ સંકટ, H1-B વિઝા પોલિસી કેવી રીતે અવરોધ બનશે?

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ સામે પણ સંકટ, H1-B વિઝા પોલિસી કેવી રીતે અવરોધ બનશે? 1 - image


Donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા પર $100,000 (આશરે ₹88 લાખ) ની ભારે વાર્ષિક ફીઝ લાદવાના નવા નિર્ણયથી ભારતીય IT વ્યાવસાયિકો અને કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. વાર્ષિક સરેરાશ 66,000 ડૉલર કમાતા વિઝા ધારકો માટે આ ફીઝ લગભગ તેમની આશાઓ પર પાણી ફેરવી દેનારી છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકાના આ પગલાથી ભારતીય પ્રવાસી સમુદાય ને તો ઠીક ભારત અમેરિકા વેપાર મંત્રણાને પણ ગાઢ અસર કરશે. 

નાસકોમની ચેતવણી... 

અમેરિકા ભારતીય IT કંપનીઓ અને વ્યાવસાયિકો માટે સૌથી મોટું બજાર છે. H-1B વિઝા દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય નિષ્ણાતો અમેરિકાની કંપનીઓમાં કામ કરવા માટે જાય છે. જો કે, નવી શરતો આ તકને મર્યાદિત કરશે. NASSCOM એ ચેતવણી આપી છે કે આ અમેરિકન ઇનોવેશન ઇકોસિસ્ટમ અને જોબ માર્કેટ પર નકારાત્મક અસર કરશે.

વેપાર કરારને અસર કરશે? 

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પહેલાથી જ અમેરિકાના સર્વિસ સેક્ટરમાં વધુ પ્રવેશની માંગ કરી રહ્યું હતું. પરંતુ હવે, વાટાઘાટોના સંવેદનશીલ તબક્કે આવો નિર્ણય લેવાતા બંને દેશો વચ્ચે વધતું અંતર વેપાર કરારની સંભાવનાઓને નબળી પાડી શકે છે.

ટ્રમ્પ સરકારની દલીલ

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે અમેરિકા પોતાના સ્નાતકોને તાલીમ આપવા માંગે છે અને આ અમેરિકામાં ઉદભવતી નોકરીઓ ભરવા માટે વિદેશી કામદારોને રાખવાના વલણને બંધ કરવા માગે છે. વ્હાઇટ હાઉસની દલીલ છે કે H-1B પ્રોગ્રામનો દુરુપયોગ અમેરિકન યુવાનોનો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ ઘટાડી રહ્યો છે, જે અમેરિકાના નેતૃત્વને જોખમમાં મૂકી શકે છે.

ભારતની શું છે ચિંતા

સર્વિસ સેક્ટરનું ભારતીય અર્થતંત્રમાં આશરે 55% ફાળો છે અને અમેરિકા તેનું સૌથી મોટું ગંતવ્ય છે. જો અમેરિકન બજારમાં ભારતીય સેવાઓની પહોંચ ઘટશે તો તે લાખો નોકરીઓને અસર કરી શકે છે. નિષ્ણાતો માને છે કે ભારતે એક જ દેશ પર તેની નિર્ભરતા ઘટાડવા માટે તેના નિકાસ બજારોમાં વૈવિધ્યીકરણ કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

જાણી લો આખું ગણિત... 

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન હેઠળ મોડ 4 સેવાઓની આપ-લે સંબંધિત છે જેમાં કોઈપણ સભ્ય દેશના લોકો બીજા દેશમાં જઈને સેવા આપે છે. ભારત લાંબા સમયથી મોડ 4 હેઠળ તક ઈચ્છે છે પણ અમેરિકા અને બ્રિટન જેવા દેશોની કડકાઈથી ભારતીય પ્રોફેશનલ્સ સામે મુશ્કેલી ઊભી થઈ છે. આ ઉપરાંત મોડ 1 એટલે કે ક્રોસ બોર્ડર સપ્લાય એટલે કે શારીરિક હાજરી વિના એક દેશથી બીજા દેશમાં સેવાની આપ લે થાય છે તે ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે જો અમેરિકા તેના સર્વિસ સેક્ટરમાં સંરક્ષણવાદ વધારશે તો ભારત માટે બીજો મોટો આર્થિક ઝટકો મનાશે.  આઈસીઆરઆઈઈઆરના પ્રોફેસર અર્પિતા કહે છે કે આ પગલું અમેરિકા તરફથી ભારત સામે અન્ય સમજૂતીઓમાં દબાણ વધારી શકે છે. 

Tags :