Get The App

32 કરોડના ખર્ચે અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજનું સમારકામ શરૂ, શહેરને નવું નઝરાણું મળશે

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
Ellis Bridge


Ellis Bridge: અમદાવાદ શહેરના ઐતિહાસિક એલિસબ્રિજનું સમારકામ શરૂ કરાયુ છે. એક જમાનામાં નદીના એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે એકમાત્ર એલિસબ્રિજ હતો. હવે આ હેરિટેજ એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનસ્થાપન માટે સમારકામ શરૂ કરાયુ છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં એલિસબ્રિજને નવો ઓપ આપવામાં માટે રૂા.32 કરોડ ફાળવવામાં આવ્યાં છે. 

વર્ષ 1892માં એલિસબ્રિજ બનાવવામાં આવ્યો હતો

અંગ્રેજ શાસનકાળ વખતે વર્ષ 1892માં એલિસબ્રિજ બનાવવામાં આવ્યો હતો. 433.41 મીટર લંબાઇ, 6.25 મીટર પહોળાઈ ધરાવતાં હેરિટેજ બ્રિજને ન્યૂ લૂક આપવામાં આવી રહ્યો છે. 14 સ્પાન બો-સ્ટ્રીગ ટાઈપના સ્ટીલ સ્ટ્રકચર આધારે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. 

એ સમયે રૂ. 4 લાખની કિંમતમાં તૈયાર થયો હતો બ્રિજ

હિંમતલાલ ધીરજલાલ ભચેચ નામના એન્જિનિયરે આ હેરિટેજ બ્રિજ બાંધ્યો હતો. ઉત્તર ઝોનના કમિશનર બેરો હેલબર્ટ એલિસ હતાં. તેમના નામ આધારે એલિસબ્રિજ નામ રાખવામાં આવ્યુ હતું. પુલ બનાવવા માટે બર્મિંગહામથી ખાસ સ્ટીલ મંગાવવામાં આવ્યુ હતું. એ સમયે રૂ. 4 લાખની કિંમતમાં એલિસબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો.

એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબને કરવામાં આવ્યા હતા સન્માનિત

જોકે, પાંચ લાખથી ઓછા બજેટમાં એલિસબ્રિજ તૈયાર થતાં હલકી સામગ્રી વપરાઇ હોવાની શંકા ગઇ હતી જેના પગલે સરકારે તપાસ કમીટી પણ નીમી હતી. તપાસમાં એવા તારણો નીકળ્યાં કે પુલ બનાવવા માટે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી સામગ્રીનો ઉપયોગ થયો છે. સરકારી નાણાંની બચત કરવા બદલ એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબ બિરુદ આપીને સન્માનિત કરાયા હતાં. 

દસેક વર્ષથી એલિસબ્રિજ બંધ કરી દેવાયો છે

સમય જતાં આ ઐતિહાસિક બ્રિજ જર્જરીત અને ભયજનક હોવાથી તેના પર થતી વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી. છેલ્લાં દસેક વર્ષથી એલિસબ્રિજ બંધ કરી દેવાયો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડવા વર્ષ 1997માં એલિસબ્રિજની આજુબાજુ બે નવા પુલ બાંધવામાં આવ્યા હતાં. પરંતુ હવે હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે તે હેતુસર અદ્યતન ટેકનોલોજીથી એલિસબ્રિજની મરામત કરવાનું શરૂ કરાયુ છે. 

આ પણ વાંચો: 500 મીટરની એક જ ગટર લાઇનમાં જુદા જુદા નામ આપી 3 વખત ગ્રાન્ટ મંજૂર કર્યાની ફરિયાદ

ઐતિહાસિક એલિસબ્રિજ શહેરનું નઝરાણું બનશે 

પુન:સ્થાપન પછી એલિસબ્રિજ પર રાહદારીઓ અવરજવર કરી શકશે. મુખ્ય જોઇન્ટનું રિપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ જોઇન્ટ એને બોટમ સ્ટ્રીન્જર્સને બદલી નાંખવામાં આવશે, નવી બેરિગ્સનું ઇન્સ્ટોલેશન પણ કરાશે. આ ઉપરાંત કોમ્પોઝીટ પિયર સ્ટ્રકચર વચ્ચે લેસિંગ-બ્રેસિંગ પણ જરુરિયાત મુજબ બદલવામાં આવશે. જર્જરીત બોટમ ડેક સ્લેબને પણ દૂર કરીને નવું નાંખવામાં આવશે. આમ, એલિસબ્રિજ અમદાવાદીઓ માટે નવુ ટુરિસ્ટ પ્લેસ બની રહેશે. 

32 કરોડના ખર્ચે અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજનું સમારકામ શરૂ, શહેરને નવું નઝરાણું મળશે 2 - image

Tags :