500 મીટરની એક જ ગટર લાઇનમાં જુદા જુદા નામ આપી 3 વખત ગ્રાન્ટ મંજૂર કર્યાની ફરિયાદ
- નડિયાદ તાલુકાના પીપળાદા ગામના ડેપ્યુટી સરપંચનો આક્ષેપ
- હીના ટ્રેડર્સ નામની એજન્સીને કામ અપાયું હતું, ત્રણેય સ્થળેથી શરૂ થતો રોડ મુખ્ય તળાવ સુધી જતો હોવાનો આક્ષેપ, ૮.૬૦ લાખ ગ્રાન્ટમાં ગેરરીતિની ફરિયાદ છતાં પગલાં ન લેવાયા
પીપળાતા ગામના સરપંચ અને તલાટી દ્વારા ૫૦૦ મીટરની એક જ લાઇનને ત્રણ વખત જુદા જુદા નામ આપીને અલગ અલગ નાણીકીય ભંડોળ ફાળવી નાણા સેરવી લીધા હોવાના આક્ષેપ થયો છે. ગામની આંગણવાડી પાસેથી મુખ્ય તળાવ સુધી ૫૦૦ મીટરનો રસ્તો આવેલો છે. આ ૫૦૦ મીટરના રસ્તા પર બાજુમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. જે ડ્રેનેજ લાઇનમાં ત્રણ વખત જુદી જુદી નાણીકાય ભંડોળમાંથી ગ્રાન્ટ મંજૂર કરી છે. ત્રણ ગ્રાન્ટ માટે એક જ ગટર લાઇનના અલગ અલગ નામ આપી અને નાણા મળતિયાઓની એજન્સીને પધરાવી દેવામાં આવ્યા છે. આ ગ્રાન્ટમાં આંગણાવાડીથી મુખ્ય તળાવ દર્શાવાયું છે. બીજી ગ્રાન્ટમાં મહાદેવના મંદિરથી મુખ્ય તળાવ દર્શાવાયું છે અને ત્રીજા ગ્રાન્ટમાં સ્મશાનથી મુખ્ય તળાવ સુધીનું કામ દર્શાવ્યું છે.
આ કિસ્સામાં આંગણવાડી, મહાદેવજીનું મંદિર અને સ્માશાનના ૧૦ મીટરના અંતરમાં એકબીજાની આસપાસ આવેલા સ્થળ છે. આ ત્રણેય સ્થળોથી શરૂ થતો એક રોડ મુખ્ય તળાવ સુધી જાય છે.
આ માટે સરપંચ અને તલાટી દ્વારા અગાઉ ૧૪ મા નાણાપંચમાંથી વર્ષ ૨૦૧૮માં ૧.૮૦ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૫ મે ૨૦૨૩ના રોજ ૧૫ મા નાણાપંચમાંથી ૪ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જયારે ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ૧૫ મા નાણાપંચમાંથી ૨.૮૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી. એક જ એજન્સીને ગ્રાન્ટ આપી હોવાનો ડેપ્યુટી સરપંચે પુરાવા સાથે ફરિયાદ કરી છે.
આ મામલે તાલુકા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરી છતા તપાસ કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચ દ્વારા કરાયો છે.
અમારી કોઈ ભૂમિકા નથી, માત્ર સામગ્રી સપ્લાય કરી છે : કોન્ટ્રાક્ટર
આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર ઈશ્વરભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ખાલી સામગ્રી સપ્લાય કરી છે, અમારી કોઈ ભૂમિકા નથી. તરફ પીપળાના તલાટી ચિરાગભાઈ દ્વારા કોલ રિસીવ કરાયો નથી.
જીયોટ્રેકિંગના બોગસ ફોટા મૂકાયાનો આક્ષેપ
આ સમગ્ર મામલે નાણા મંજુર કરવા માટે તલાટી અને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લી વખત તો જીયોટ્રેકિંગના ફોટા પણ પીપળાતા ગામના નહીં, પરંતુ અન્યત્ર બહારના બોગસ ફોટા મૂકી અને કામગીરી પૂર્ણ થયાનું દર્શાવ્યું છે અને તેના આધારે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પણ તપાસ થાય થાય તો કૌભાંડ બહાર આવી શકે છે.
અધિક્ષક ઇજનેરને તપાસ સોંપાઇ છે. રિપોર્ટ બાદ કાર્યવાહી થશે : ટીડીઓ
સમગ્ર મામલે નડિયાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અધિક્ષક મદદનીશ ઇજનેર શિક્ષણ અધિકારીને તપાસ માપવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.